Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ઈરાનથી પરત ફરેલા વ્યકિતનું લદાખમાં મોતઃ કોરોના વાયરસની આશંકાના કારણે સમગ્ર ગામને આઇસોલેટ કરાયું

લદાખમાં શનિવારે પૂર્વ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમના મોત બાદ તેમના ગામને બાકી વિસ્તારથી કાપી દેવામાં આવ્યું છે

લદાખ, તા.૯: ઈરાનનો પ્રવાસ કરીને લદાખ પરત ફરેલા એક ૭૬ વર્ષીય શખ્સનું મોત થઈ ગયું છે. આ શખ્સમાં કોરોના વાયરસના લક્ષણ હોવાનું બહાર આવ્યું હતું. મળતી જાણકારી મુજબ શનિવાર રાત્રે એક પૂર્વ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શખ્સના મોત બાદ તેમના ગામને બાકીના વિસ્તારથી આઇસોલેટ કરી દેવામાં આવ્યું છે. લદાખ પ્રશાસન મુજબ COVID-19 સંક્રમણના લક્ષણના કારણે શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને સ્વાસ્થ્યની વધુ પણ તકલીફો હતો, એવામાં હવે અમે ફાઇનલ ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ જ પુષ્ટ જાણકારી આપી શકીશું.

સૂત્રોના જણાવ્યા મુજબ, લેહમાં સ્વાસ્થ્ય અધિકારી ડોકટર મોતિપ દોરજોયે જણાવ્યું કે 'પીડિતને યૂરિનરી ટ્રેકટનું ઇન્ફેકશન હતું જેના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. તેમની કેટલીક અગાઉની મેડિકલ હિસ્ટ્રી પણ હતી. તેથી વધુ સાવચેતી માટે અમે તેમના નમૂના દિલ્હી મોકલ્યા છે. અમે દિલ્હીની ટીમ સાથે સંપર્કમાં છીએ અને રિપોર્ટ બે દિવસમાં આવી જવો જોઈએ.'મૃત્યુ પામનારા વ્યકિતએ હાલમાં જ ઈરાનનો પ્રવાસ કર્યો હતો. તેઓ તે ફ્લાઇટથી પરત ફર્યા હતા જેમાં બે લોકો COVID-19થી સંક્રમિત હતા. તેમના મોત બાદ ગામને બાકી વિસ્તારથી આઇસોલેટ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ લદાખમાં ૩૧ માર્ચ સુધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.(૨૩.૭)

(11:32 am IST)