Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

બેંકો કરતા વ્યાજ વધુ પણ જોખમ પણ વધુ

સાવધાન... નોન કન્વર્ટીબલ ડીબેન્ચરમાં ડુબી શકે છે નાણા

નવી દિલ્હી તા. ૯ : નોન કન્વર્ટીબલ ડીબેન્ચર (એનસીડી) ઉપર બેંકોની ફીકસ ડીપોઝીટ કરતા વધુ વ્યાજ મળે છે. જોકે કેટલીક કંપનીઓના સુરક્ષિત શ્રેણીવાળા એનસીડીમાં પણ ડીફોલ્ટના બનાવોને જોતા નાના રોકાણકારોએ તેનાથી દૂર રહેવું હિતાવહ છે. નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓ એક પછી એક કેટલીક કંપનીઓ રોકાણકારોના નાણા પાછા ન આપી શકવાની ઘટનાઓને ધ્યાનમાં લેતા સેબી વર્તમાન નિયમોની સમિક્ષા કરી રહી છે. તેનો ઉદ્દેશ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે.

ખાનગી ક્ષેત્રની કંપનીઓ બજારમાંથી ભંડોળ મેળવવા માટે જ્યારે ઋણપત્ર બહાર પાડે છે તો બે શ્રેણીમાં ડીબેન્ચર બહાર પાડે છે. તેને કન્વર્ટીબલ અને નોન કન્વર્ટીબલ ડીબેન્ચર કહેવાય છે. કન્વર્ટીબલ ડીબેન્ચરને શેરમાં ફેરવી શકાય છે. જ્યારે એનસીડીને શેરોમાં નથી ફેરવી શકાતા. એટલે એનસીડીનું આકર્ષણ ઓછું હોય છે.

જે એનસીડીને બજારમાં મુકતી વખતે કંપની તેટલી જ કિંમતની સ્થાવર મિલ્કતની ગેરંટી આપે છે તેને સુરક્ષિત એનસીડી કહેવાય છે. અસુરક્ષિત એનસીડીમાં જોખમ વધારે હોય છે કેમકે તેમાં કોઇ પ્રકારની ગેરંટી નથી અપાઇ હોતી.

બજારમાં એનસીડી મુકતી વખતે કંપનીઓ તેના રેટીંગ પણ જણાવે છે, તેનાથી જોખમની જાણ થાય છે. રેટીંગ એજન્સી ક્રિસીલ, કેર અને ઇકરા એનસીડીના રેટીંગ બહાર પાડે છે. એએએ રેટીંગને સૌથી વધારે સુરક્ષિત ગણવામાં આવે છે.

(10:48 am IST)