Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

ક્રૂડ ઓઈલ વોર ફાટી નિકળતા ભાવમાં ૩૦ ટકાનું જંગી ગાબડુઃ ૨૯ વર્ષમાં સૌથી મોટો ઘટાડોઃ પેટ્રોલ-ડિઝલ સસ્તા

બ્રિન્ટ ક્રૂડનો ભાવ ૩૧.૦૨ ડોલર પ્રતિ બેરલ પહોંચ્યોઃ યુએસ ક્રૂડ પણ ૨૭ ટકા ઘટી ૩૦ ડોલર થયું: પેટ્રોલમાં ૨૪ પૈસાનો ઘટાડો તો ડીઝલના ભાવમાં ૨૫ પૈસાનો ઘટાડોઃ ભાવ હજુ ઘટશે

નવી દિલ્હી, તા. ૯ :. ક્રૂડના ભાવમાં આજે સવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલનો ફયુચર ભાવ આજે સવારે ટ્રેડીંગ શરૂ થતા જ ૩૦ ટકા જેટલો તૂટી ગયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનુ કારણ છે ક્રૂડ ઓઈલ વોર.ઓપેક પ્લસની ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવા ચાલી રહેલી વાતચીત નિષ્ફળ ગઈ છે. બીજી તરફ સાઉદી અરેબીયાએ ઓઈલ ભાવમાં મોટો ઘટાડો કર્યો છે અને આવતા મહિનાથી ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. ક્રૂડના ભાવમા ઘટાડાની સીધી અસર આવતા દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડશે. આજે બન્નેના ભાવમાં ઘટાડો થયો છે.

દિલ્હીમાં આજે પેટ્રોલ ૨૪ પૈસા તો ડીઝલમાં ૨૫ પૈસા ઘટયા છે. પેટ્રોલનો ભાવ ૭૦.૫૯ તો ડીઝલ ૬૩.૨૬નુ થયુ છે. મુંબઈમાં ભાવ ૭૬.૨૯ અને ૬૬.૨૪ થયો છે.

બ્રીન્ટ ક્રૂડ આજે સવારે ૩૦ ટકા ઘટીને ૩૧.૦૨ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. શુક્રવારે ભાવ ૩૬.૦૬ ડોલર હતો. ૧૯૯૧માં થયેલા અખાત યુદ્ધ બાદ બ્રીન્ટમાં આ સૌથી મોટો ઘટાડો છે. આ સિવાય અમેરિકી ક્રૂડ ૨૭ ટકા ઘટીને ૩૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયુ છે. જેનુ મુખ્ય કારણ કોરોના અને રૂસ-ઓપેકમાં છેડાયેલ પ્રાઈઝ વોર છે.

(10:47 am IST)