Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

શેરબજારમાં સુનામીઃ ઐતિહાસિક ગાબડા

રોકાણકારોને રોવાનો વારોઃ ૬.૫૦ લાખ કરોડ ડુબ્યા : ઇન્ટ્રા-ડે સેન્સેકસ ૨૪૫૦ તથા નીફટી ૬૪૦ પોઇન્ટથી વધુ ડાઉન

બપોરે ૨ વાગ્યે સેન્સેકસ ૨૨૯૧ પોઇન્ટ ઘટીને ૩૫૨૮૪ તથા નીફટી ૬૪૨ પોઇન્ટ ઘટીને ૧૦૩૪૬ ઉપર છેઃ રિલાયન્સ, ઇન્ડ. બેન્ક, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, એલએન્ડટી, એસબીઆઇ, ટેક મહિન્દ્રા ઉંધા માથે પટકાયાઃ બેન્કીંગ શેરો ઓગળી ગયાઃ ઇન્ટ્રા-ડે બેન્ક નીફટી ૧૮૫૦ પોઇન્ટ ડાઉન : કાલે શેરબજારમાં રજાઃ તે પછી બજાર ઉપર સંકટ યથાવત રહેશેઃ ઔદ્યોગિક ઉત્પાદન અને રીટેલ ફુગાવાના આંકડા આવશે જે ગુરૂવારે જાહેર થશેઃ શુક્રવારે જથ્થાબંધ ભાવાંક ઉપર આધારીત ફુગાવો જાહેર થશે

મુંબઈ, તા. ૯ :. સપ્તાહની શરૂઆત શેરબજાર માટે ઘણી ખરાબ રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર કોરોના વાયરસની અસરને લઈને ચિંતાઓ, વિશ્વસ્તરે ક્રૂડના ભાવમાં બોલેલા કડાકા અને ઘર આંગણે યસ બેન્ક સાથે જોડાયેલ સંકટ રોકાણકારો માટે નિરાશાજનક સંકેત છે. જો કે આજે યસ બેન્કના શેરમાં તેજી જોવા મળી છે અને આજે આ શેરનો ભાવ વધીને ૨૧ રૂ. થઈ ગયો છે જે ૩૦ ટકા વધારો સૂચવે છે. શેરબજારના રોકાણકારો પોતાના પૈસાને લઈને ડરેલા છે અને બજાર પર વેચવાલીનું દબાણ સતત જોવાય છે. આજે સવારે ૬૫૦ના પોઈન્ટના ઘટાડા સાથે ખુલેલ સેન્સેકસમાં વેચવાલી વધતી જ ગઈ અને જોતજોતામા સેન્સેકસ ૨૪૫૦થી વધુ પોઈન્ટ તૂટયો હતો  તો નિફટી છે ત્યારે ૬૫૦ પોઈન્ટ ઘટયો હતો. આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે સેન્સેકસ ૨૨૯૧ પોઈન્ટ ઘટીને ૩૫૨૮૪ અને નિફટી ૬૪૨ પોઈન્ટ ઘટીને ૧૦૩૪૬ ઉપર છે. આજે બજાર ઐતિહાસિક ઘટતા રોકાણકારોએ ૬.૫૦ લાખ કરોડથી વધુની રકમ ગુમાવી છે.

આવતીકાલે ધૂળેટીને કારણે શેરબજાર બંધ રહેશે પરંતુ તે પછીના દિવસોમાં પણ યસ બેન્ક અને કોરોનાનું સંકટ જોડાયેલ રહેશે. સાથોસાથ આર્થિક આંકડા પણ આવવાના છે જેમ કે ઔદ્યોગીક ઉત્પાદન અને રીટેલ ફુગાવાના આંકડા આવવાના છે.

અદાણી ટ્રાન્સ. ૨૦૭, વેદાંતા ૯૬, કોર્પો. બેન્ક ૧૩, ઈન્ડીયા બુલ્સ ૨૧૭, અલ્હાબાદ બેન્ક ૯, એડલવીસ ૬૫, ઓએનજીસી ૭૫, આરબીએલ ૨૧૬, વેલસ્પન ૧૨૪, ટીસીએસ ૧૯૭૧, ટાટા સ્ટીલ ૩૧૪, ઈન્ડસ બેન્ક ૯૦૩, રીલાયન્સ ૧૧૨૯, ઓએનજીસી ૭૫, યસ બેન્ક ૨૧, આઈડીયા ૩.૯૩, ભારત પેટ્રો. ૪૩૨, હિન્દુ પેટ્રો. ૨૧૫, શીપીંગ ૪૨, ઈન્ડીગો ૧૨૨૧, સ્પાઈસ જેટ ૬૫, ફયુચર લાઈફ સ્ટાઈલ ૩૪૦ ઉપર છે.

આજે શેરબજાર પત્તાના મહેલની જેમ તૂટી જતા રોકાણકારોમા ભારે ગભરાટ ફેલાય ગયો હતો. અનેક શેર ૫૨ સપ્તાહના તળીયે પહોંચી ગયેલ છે. તમામ સેકટર રેડ ઝોનમાં છે. સ્મોલ કેપ અને મીડકેપ પાંચ પાંચ ટકા ડાઉન થઈ ગયા છે. એસબીઆઈનો શેર પણ ૫ ટકા જેટલો તૂટયો હતો. બેન્ક નીફટી ૨૦ ટકા તૂટી છે. યસ બેન્ક સિવાય તમામ શેર તૂટયા છે. આજે ક્રૂડના ભાવમાં ૩૧ ટકાનો ઘટાડો થતા તેની શેરબજાર પર અસર પડી હતી. ૧૯૯૧ના અખાત યુદ્ધ બાદ આ સૌથી મોટો ઘટાડો છે. ક્રૂડના ભાવ ૩૦ ડોલર સુધી પહોંચી ગયા છે.

૬૫૦ શેર બાવન સપ્તાહના તળીયે

મુંબઈઃ આજે દલાલ સ્ટ્રીટમાં કોહરામ મચી ગયો છે, સેન્સેકસ ૨૪૫૦ પોઈન્ટથી વધુ ડાઉન થયો છેઃ સાઉદી અરેબીયાએ રશીયા સાથે પ્રાઈઝ વોર શરૂ કરતા ક્રૂડના ભાવમાં ૬ થી ૮ ડોલરનો કડાકો બોલી ગયો છે આ ઉપરાંત કોરોનાએ પણ કહેર મચાવ્યો છે, જેના કારણે શેરબજારમાં ભૂકંપ આવી ગયો છેઃ આઈટીસી, લાર્સન, વિપ્રો, એનટીપીસી, અદાણી પોર્ટ, વેદાંતા, હીરો, પંજાબ નેશનલ બેન્ક, ટાટા મોટર્સ, કોલ ઈન્ડીયા, ઓએનજીસી, બંધન બેન્ક, જીઆઈસી, દાલમીયા ભારત, કોર્પો બેન્ક, ઓઈલ ઈન્ડીયા, ટાટા પાવર, ભેલ, હુડકો, મોઈલ વગેરે ડાઉન થયા છેઃ આ ઉપરાંત જી ટીવી, ટ્રી ડન્ટ, યુનીયન બેન્ક, આદિત્ય બિરલા, હિન્દુસ્તાન એરો, બેન્ક ઓફ ઈન્ડીયા, કેનેરા બેન્ક, એલઆઈસી હાઉસીંગ, ફેડરલ બેન્ક, કોર્પો બેન્ક, ઓબીસી, ઓઈલ ઈન્ડીયા, ટાટા પાવર્સ સહિતના શેરમાં કડાકો બોલી ગયો છેઃ ૬૫૦ શેર બાવન સપ્તાહના તળીયે પહોંચી ગયા છે

યસ બેન્કના શેરમાં તેજી

મુંબઇઃ સંકટમાં ફસાયેલા યસ બેન્કના ગ્રાહકોને સરકારે આપેલા આશ્વાસન અને એસબીઆઇના પ્લાનથી રોકાણકારોમાં થોડો ભરોસો પાછો ફર્યોઃ આજે રોકાણકારો લેવાલી કરી રહ્યા છેઃ શરૂઆતના ટ્રેડીંગમાં જ બેન્કનો શેર ૨૦ ટકા જેટલો ચડ્યો હતો બાદમાં તે ૩૪ ટકા સુધી પહોંચ્યો હતોઃ જો કે એસબીઆઇનો શેર પાંચ ટકા જેટલો ડાઉન હતોઃ યસ બેન્કનો છેલ્લો ભાવ ૨૧.૦૫ દર્શાવે છે

કયા પાંચ કારણોસર બજાર જમીનદોસ્ત ?

(૧) કોરોના વાયરસનો કહેર

(૨) વૈશ્વિક સ્તરે ક્રુડના ભાવમાં કડાકો

(૩) ખરાબ ગ્લોબલ સંકેત

(૪) યસ બેન્કનું સંકટ

(૫) એફઆઇઆઇ દ્વારા ધૂમ વેચવાલી

(3:02 pm IST)