Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોનાની ઇફેકટ

પીએમની બાંગ્લાદેશ મુલાકાત રદ

નવી દિલ્હી, તા.૯: ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના લીધે કેટલાંય આયોજનો રદ્દ થઇ રહ્યા છે અને આ કડીમાં બાંગ્લાદેશે પણ શેખ મુજીબ ઉર રહેમાનની જયંતિનો શતાબ્દી સમારંભ રદ્દ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ સમારંભના મુખ્ય વકતા અને એવામાં તેમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થઇ ગયો છે.

આ સપ્તાહે બાંગ્લાદેશી સંસદના સ્પીકર શિરીન શરમિન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ કરી દીધો. તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિમંત્રણ પર ૧૮ સભ્યના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાના હતા.

પીએમ મોદી ૧૭મી માર્ચના રોજ બાંગ્લાદેશ જવાના હતા પરંતુ કોરોનાના લીધે આ પ્રવાસને રદ્દ કરવો પડ્યો છે. સેલિબ્રેશન કમિટીના ચેરમેન કમાલ અબ્દુલ ચૌધરીએ બાંગ્લાદેશ સરકારના આ નિર્ણયને રદ્દ કરવાની માહિતી આપી. રવિવારના રોજ જ બાંગ્લાદેશમાં ૩ લોકોમાં કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે જે હાલમાં ઇટલીથી આવ્યા હતા.

આ અંગે ચૌધરીએ કહ્યું કે અમે આ ઇવેન્ટરને ફરીથી ડિઝાઇન કરી છે. આખું વર્ષ આ કાર્યકાળ ચાલતો રહેશે પરંતુ હાલ લોકોએ ભીડથી બચવાનું છે. વર્ષ દરમ્યાન અમે કાર્યક્રમ કરીશું અને વિદેશથી આવનાર દિગ્ગજ હસતીઓ તેમાં સામેલ થઇ શકે છે. સાથો સાથ કહ્યું કે કોવિડ-૧૯ સાથે જોડાયેલ સ્વાસ્થ્ય ઘટનાઓને જોતા આ જન્મ શતાબ્દી સમારંભનો હાલ દાયરો ઘટાડી દેવાયો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના કોઇપણ પ્રકારના જાહેર સભાના સમારંભ વગર ઉદઘાટન કરશે.

મોદીને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનેએ પાડોશી દેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના શતાબ્દી સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. શેખ મુજીબુર રહેમાનને 'ફાધર ઓફ બાંગ્લાદેશી' પણ કહેવાય છે.

આ મહિને બ્રસેલ્સમાં પીએમ મોદી યુરોપિયન યુનિયનના સંમેલનમાં ભાગ લેવા જવાના હતા પરંતુ કોરોનાના કારણના લીધે જે તેને પણ રદ્દ કરવો પડ્યો. આ સિવાય કેટલાંય કેન્દ્રીય મંત્રી અને નેતા હોળી મિલન કાર્યક્રમમાં પણ ભાગ લેશે નહીં.

(10:07 am IST)