Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પ્રિયંકાએ રાણા કપૂરને ૨ કરોડમાં વેચી હતી રાજીવ ગાંધીનું પેઇન્ટિંગઃ બીજેપી અને કોંગ્રેસ આમને-સામને

બીજેપી આઈટી સેલના પ્રમુખે આરોપ લગાવ્યો કે રાણા કપૂરે થોડા વર્ષ પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પાસથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદી હતી

નવી દિલ્હી, તા.૯: યસ બેંક મામલામાં એક ખુલાસા બાદ બીજેપી અને કોંગ્રેસ સામ-સામે આવી ગઈ છે. મૂળે, એવું જાણવા મળ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેઇન્ટિંગને યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરએ ૨ કરોડમાં ખરીદી હતી. બીજેપીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રવિવારે આરોપ લગાવ્યો કે યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરે થોડા વર્ષ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસથી એમ.એફ. હુસૈનની પેઇન્ટિંગ ખરીદી હતી જેની પર કોંગ્રેસે વળતો હુમલો કર્યો છે.

આરોપ ફગાવતાં કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંદ્યવીએ કહ્યું કે, પ્રિયંકાએ રાજીવ ગાંધીના ચિત્રવાળું હુસૈનનું જે પેઇન્ટિંગ વેચ્યું હતું, તેની ચૂકવણી ચેકથી થઈ હતી અને તેની પર ઇન્કમ ટેકસ પણ ચૂકવવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે માર્ચ ૨૦૧૪માં બેંકની લોન બુક ૫૫,૬૩૩ કરોડ રૂપિયા હતી, જે ૨૦૧૯માં ૨,૪૧,૪૯૯ કરોડ રૂપિયા થઈ ગઈ. માર્ચ ૨૦૧૬માં લોન બુક ૯૮,૨૧૦ કરોડ રૂપિયા હતી જે માર્ચ ૨૦૧૮માં ૨,૦૩,૫૩૪ કરોડ રૂપિયા થઈ ગઈ. નોટબંધી બાદના બે વર્ષમાં લોન બુકમાં ૧૦૦ ટકાની વૃદ્ઘિ કેવી રીતે થઈ?

મૂળે, બીજેપીના આઈડી સેલના પ્રમુખ અમિત માલવિયએ કહ્યું કે, ભારતમાં દરેક નાણાકીય અપરાધ ગાંધી પરિવાર સાથે જોડાયેલા છે. માલ્યા સોનિયા ગાંધીની ફ્લાઇટ ટિકિટ અપગ્રેડ કરાવતા હતા. MMS (મનમોહન સિંહ) અને PC (પી. ચિદમ્બરમ સુધી પહોંચી હતી, હવે ભાગેડુ છે. રાહુલે નીરવ મોદીના જવલેરી કલેકશનનું ઉદઘાટન કર્યું, તેણે ડિફોલ્ટ કર્યું. રાણાએ પ્રિયંકા ગાંધીની પેઇન્ટિંગ ખરીદી.

કોંગ્રેસ પ્રવકતાર રણદીપ સિંહ સુરજેવાલાએ પણ પ્રિયંકા ગાંધીનો બચાવ કરતાં સવાલ કર્યો કે હાલમાં યસ બેંક સંકટ સાથે પેઇન્ટિંગના વેચાણને કેવી રીતે જોડી શકાય.

સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે, રાજીવજીની એક પેઇન્ટિંગને દસ વર્ષ પહેલા પ્રિયંકા ગાંધીએ રાણા કપૂરને વેચી અને ટેકસ રિટર્નમાં ખુલાસો કર્યો છે. આ મોદી સરકારના ૫ વર્ષમાં ૨ લાખ કરોડની લોન સાથે કેવી રીતે જોડાયેલું છે? રાણા કપૂરની બીજેપી નેતાઓ સાથેની નિકટતા જગજાહેર છે.

(10:06 am IST)