Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

હવે એલપીજી સિલીન્ડર રીફીલ કરાવવા પણ મળશે લોન

સરકાર યોજના લાવી રહી છેઃ ઉજ્જવલા સ્કીમના લાભાર્થીઓ સિલીન્ડર લેતા નથી એટલે સરકાર તેઓને મદદ કરવા લોનની યોજના વહેતી મુકશેઃ આ સ્કીમ હેઠળ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને માત્ર ૫૦થી ૧૦૦ રૂ.માં સિલીન્ડર ભરાવવાની સુવિધા મળી શકશેઃ આ સિવાય બાકી રકમ ઓઈલ કંપનીઓ સબસીડી આવવા પર લેશે

નવી દિલ્હી, તા. ૯ :. એલપીજી સિલીન્ડરોના વધતા ભાવથી રાહત આપવા માટે સરકાર હવે ગ્રાહકોને લોન આપવા પણ વિચારી કરી રહી છે. આ પોલીસી હેઠળ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ૫૦થી ૧૦૦ રૂ.માં સિલીન્ડર ભરવાની સુવિધા મળી શકશે. આ સિવાય બાકીની રકમ ઓઈલ કંપનીઓ સબસિડી આવવા પર લેશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તરફથી બીજી વખત સિલીન્ડર લેવામાં રસ દેખાડવામાં આવતો નથી. કહેવાય છે કે સ્થળ પર સિલીન્ડર ખરીદવા માટે વધુ રકમ આપવી પડે છે. જેને કારણે લોકો સિલીન્ડર લેતા નથી. આવી સ્થિતિને નિપટવા માટે સરકારે આ યોજના બનાવી છે. જો કે આ યોજના હજુ પ્રારંભિક સ્તર પર છે.

સરકાર ઘેર ઘેર સિલીન્ડર પહોંચાડવા માટે લીકવીફાઈડ પેટ્રોલીયમ ગેસ સ્કીમ લાવી રહી છે. આ સ્કિમ સાથે ઉજ્જવલા લાભાર્થીઓ માટે લોનની સુવિધા પણ શરૂ થશે. જો કે આ યોજનાની પુરી વિગત મળી નથી પરંતુ પેટ્રોલીયમ મંત્રાલય આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહ્યુ છે.

થોડા દિવસ પહેલા સ્ટેટ બેન્ક તરફથી કરવામાં આવેલા એક અભ્યાસમાં એવી બાબત સામે આવી હતી કે ૨૫ ટકા લાભાર્થીઓએ બીજો બાટલો લીધો નથી. સ્ટેટ બેન્કના રીપોર્ટ અનુસાર બાટલાના ભાવમાં વધારો થયો છે તેથી આવુ થયુ છે.

આ રીપોર્ટમાં એવુ સૂચન થયુ છે કે ઉજ્જવલાના લાભાર્થીઓ બાટલાના ઉપયોગ માટે વર્ષમાં ઓછામાં ઓછા ૪ બાટલા મફતમાં આપવા જોઈએ જો કે સૂત્રોનું કહેવુ છે કે મફત બાટલા આપવાના બદલે લોનની સ્કીમને મંત્રાલય વધુ યોગ્ય ગણે છે. આનાથી સરકાર પર બોજો પણ નહી પડે અને સ્થળ પર વધુ રકમ ચૂકવવાના પ્રેશરથી ગ્રાહક બચી જશે.

દિલ્હીની વાત કરીએ તો ૬ મહિનામાં સબસિડી વગરના બાટલાની કિંમત ૨૮૪ રૂ. વધીને રૂ. ૮૫૯ થઈ છે જે પહેલા ૫૭૫ રૂ. હતો. ડીસેમ્બર ૨૦૧૮ સુધી ઉજ્જવલા સ્કીમ સાથે જોડાયેલા ૫.૯૨ કરોડ લાભાર્થીના ડેટા અનુસાર લગભગ ૨૫ ટકા એવા લોકો છે જેમણે બીજી વખત બાટલો ભરાવ્યો નથી આ સિવાય ૧૮ ટકાની નજીક લોકો એવા છે જેમણે બીજો બાટલો લીધો. ૧૧.૭ ટકા એવા છે જેમણે ત્રીજો બાટલો પણ લીધો છે. સરકાર બીજા બાટલાઓ સુધી પણ વિસ્તારવામાં આવશે.

(10:05 am IST)