Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

હવે ગ્રાહક બનશે રાજાઃ ડોકટર-વકિલ 'મામા' બનાવી નહિ શકે

નવા ઉપભોકતા કાનૂનના દાયરામાં આવશે ડોકટરો-વકિલોઃ ખોટી ફી અને છેતરપીંડી કરે તો કડક પગલાઃ સરકાર નવા કાયદામાં 'સેવા'નો દાયરો વધુ વિસ્તૃત કરશેઃ ગ્રાહકોના હીતોનું રક્ષણ થશે

નવી દિલ્હી, તા. ૯ :. કોઈ ડોકટર ફી લઈને યોગ્ય સારવાર ન કરે તો તમે ગ્રાહક તરીકે તે ડોકટર વિરૂદ્ધ ફરીયાદ કરી શકો છો. આ જ રીતે કોઈ વકીલ પણ તમારી સાથે દગાબાજી કરે તો તે વકીલ વિરૂદ્ધ પણ તમે ન્યાયની માંગણી કરી શકો છો. નવા ગ્રાહક કાનૂનમાં સેવાના વ્યાપનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

ગ્રાહક મંત્રાલય અનુસાર ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૨૦૧૯ના નિયમોને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. આ વર્ષે એપ્રિલ સુધીમાં નિયમો તૈયાર કરી દેવાશે. ત્યાર પછી કાયદા હેઠળ સેવાનો વ્યાપ સ્પષ્ટ થઈ જશે. મંત્રાલયનું માનવુ છે કે ગ્રાહકોના હિતોનું રક્ષણ સૌથી અગત્યનું છે.

આને ધ્યાનમાં રાખીને જ મંત્રાલય બધા હિતધારકો સાથે વાત કરીને નવા કાયદાના નિયમોને અંતિમ રૂપ આપી રહ્યુ છે. ગ્રાહક સંરક્ષણ કાનૂન ૨૦૧૯માં કહેવાયુ છે કે સર્વિસનો મતલબ એવી સેવા છે જે તેના સંભવિત ઉપયોગકર્તાને આપવામાં આવે છે. તેના હેઠળ બેંકીંગ, વીમો, પરિવહન, વિદ્યુત, દૂરસંચાર, ભોજન, નિવાસ, મકાન, નિર્માણ, મનોરંજન, સમાચાર અથવા અન્ય માહિતી પહોંચાડવાનું સામેલ છે. આ કાયદાથી સામાન્ય ગ્રાહકોને ફાયદો થશે અને તેનો સેવાઓ પરનો વિશ્વાસ વધશે.

મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે સેવાઓનો વ્યાપ બહુ વધ્યો છે. આ પરિસ્થિતિમાં કાયદામાં બધી સેવાઓનો ઉલ્લેખ કરવો શકય નથી. ગ્રાહક સુરક્ષા કાયદામાં એવી સેવાઓનો ઉલ્લેખ કરાયો છે. જેનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેમણે કહ્યું કે કાયદાના નિયમોને અંતિમ રૂપ આપતા સેવાના વ્યાપમાં આવનારી બધી સર્વિસને સ્પષ્ટ કરવામાં આવશે જેથી તે બાબતે ઉપયોગકર્તાઓને કોઈ ભ્રમ ન રહે.

(10:05 am IST)