Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

નાગરિક કાનૂન : પ્રદર્શનમાં ISની સંડોવણી સપાટી પર

લીંકના સંદર્ભમાં એક દંપત્તિની ધરપકડ કરાઈ : લોકોને ઉશ્કેરવાની ગતિવિધિઓમાં દંપત્તિ સામેલ : દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ થયા બાદથી બંનેની પુછપરછ જારી

નવી દિલ્હી, તા.૮ : સીએએની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ઉંડી  તપાસનો દોર ચાલી રહ્યો છે ત્યારે પ્રદર્શનમાં આઈએસઆઈએસ સાથે કોઇ સંબંધ છે કે કેમ તેને લઇને પણ તપાસનો દોર ચાલી રહ્યો છે. દિલ્હી પોલીસે આ મામલામાં હવે બે લોકોની ધરપકડ કરી લીધી છે. બંનેના સંબંધ આઈએસ સાથે હોવાની માહિતી મળી રહી છે. ઓખલાના જામિયાનગરમાંથી દિલ્હી પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધી છે. બંનેના સંબંધને લઇને પોલીસ ગુપ્તરીતે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ તરફથી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પ્રમોદસિંહ કુશવાહે આજે કહ્યું હતું કે, ઓખલાના જામિયાનગરથી એક દંપત્તિને પકડી પડવામાં આવ્યું છે. તેમનું નામ જહાનઝેબ સામી અને  હિંડા બસીર હોવાનું જાણવા મળ્યું છે. બંનેના લીંક આઈએસના ખુરાસાન મોડ્યુલ સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દંપત્તિ નાગરિક સુધારા કાનૂનને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં વ્યસ્ત હતું. પાટનગર દિલ્હીમાં અનેક જગ્યાઓએ હજુ પણ સીએએ અને એનઆરસીની સામે વિરોધ પ્રદર્શન જારી છે. જામિયાના શાહીનબાગ વિસ્તારમાં ડિસેમ્બર મહિનાથી જ વિરોધ પ્રદર્શન જારી છે.

          શાહીનબાગમાં દેખાવકારોએ એક મુખ્ય માર્ગને બંધ કરીને ઉંડી તપાસ જારી રાખી છે. આ માર્ગ નોઇડ અને દિલ્હીને એકબીજા સાથે જોડે છે. દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને રોકવા માટે તમામ પ્રયાસો હોવા છતાં દેખાવો જારી રહ્યા છે. આ દેખાવોએ કોમી રમખાણનો રંગ લઇ લેતા ત્રણ દશકમાં સૌથી વિનાશક કોમી હિંસા થઇ ચુકી છે જેમાં દિલ્હીમાં ૪૮થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો હજુ પણ થઇ રહ્યા છે. લોકોને સમજાવવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે પરંતુ કેટલાક તત્વો હજુ પણ હિંસા ઉપર ઉતરેલા છે જે સાબિત કરે છે કે, કટ્ટરપંથી તત્વો આની પાછળ સક્રિય છે.

(8:37 am IST)