Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ જવાહર ચાવડા કેબીનેટ મંત્રીઃ યોગેશ પટેલ- ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્યકક્ષાના મંત્રી બન્યા

બપોરે ૧૨.૩૯ કલાકે રાજભવન ખાતે ત્રણેય પ્રધાનોને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શપથગ્રહણ કરાવ્યાં: મુખ્યમંત્રી સહિત પ્રધાન મંડળના સભ્યો-અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિઃ શપથવિધિથી મીડીયાને દૂર રખાયું: હવે કુલ ૨૪ સભ્યોનું મંત્રીમંડળઃ ૧૧ કેબીનેટ અને ૧૩ રાજ્યકક્ષાના પ્રધાનોઃ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી બાદમાં થશેઃ વિસ્તરણમાં પટેલ, ક્ષત્રીય અને આહીર સમાજને પ્રતિનિધિત્વઃ ગાંધીનગરમાં સોમવારે મળી શકે છે કેબીનેટની બેઠક : નવનિયુકત પ્રધાનોને ફાળવાશે ખાતા

ગાંધીનગરમાં રાજયપાલ દ્વારા જવાહરભાઈ ચાવડા યોગેશભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને શપથ ગ્રહણ: ગાંધીનગરઃ ગુજરાતના રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીએ આજે બપોરે ૧૨.૩૯ કલાકે રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કેબિનેટ મંત્રી તરીકે શ્રી જવાહરભાઇ પેથલજી ચાવડા અને રાજય કક્ષાના મંત્રી તરીકે શ્રી યોગેશભાઇ નારાયણભાઇ પટેલ અને શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને મુખ્ય સચિવ શ્રી ડો. જે.એન.સિંઘ તથા મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર, તા. ૯ :. લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ગઈકાલથી શરૂ થયેલી રાજકીય ગરમાગરમી ઉપર આજે અલ્પવિરામ મુકાયુ હોય તેમ બપોરે રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે અને ગઈકાલે કોંગ્રેસમાંથી કુદકો મારી ભાજપમાં આવેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને કેબીનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે જ્યારે જામનગરના પૂર્વ ધારાસભ્ય અને બાદમાં ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તથા વડોદરાના ભાજપના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા છે. નવા પ્રધાનોને ખાતાની ફાળવણી બાદમાં કરવામાં આવશે તેવુ જાણવા મળે છે. શપથવિધિથી મિડીયાને દૂર રાખવામાં આવ્યુ હતું.

આજે બપોરે ૧૨.૩૯ કલાકે રાજભવન ખાતે યોજાયેલા એક સાદા સમારોહમાં રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સૌ પહેલા જવાહર ચાવડાને કેબીનેટ મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા તે પછી યોગેશ પટેલ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.  આ પ્રસંગે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રધાન મંડળના સભ્યો, મુખ્ય સચિવ ડો. જે.એન. સિંઘ, વરિષ્ઠ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવા ત્રણેય પ્રધાનોને ખાતાની ફાળવણી બાદમાં કરવામાં આવશે તેવુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતુ કે, નવા પ્રધાનો પોતાની અનુકુળતા પ્રમાણે ચાર્જ ગ્રહણ કરશે. તેમણે ઉમેર્યુ હતુ કે, હજુ પણ બીજુ વિસ્તરણ થઈ શકે છે. આના ઉપરથી અટકળો વહેતી થઈ છે કે હજુ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવે અને તેમને મંત્રી પદ અપાય તેવી શકયતા છે.

મંત્રી મંડળના વિસ્તરણ સાથે હવે રાજ્યમાં કુલ ૨૪ સભ્યોનું મંત્રી મંડળ થયુ છે જેમા ૧૧ કેબીનેટ અને ૧૩ રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે. આજના મંત્રી મંડળના વિસ્તરણમાં પટેલ, ક્ષત્રીય અને આહીર સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે. સી.કે. રાઉલજીના નામની ચર્ચા હતી પરંતુ તેઓએ શપથ લીધા નથી.

અત્રે નોંધનીય છે કે, જવાહર ચાવડા ગઈકાલે જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા અને તેમને બદલામાં કેબીનેટનું મંત્રી પદ મળ્યુ છે તો બીજી તરફ લાંબા સમયથી પક્ષથી નારાજ ચાલી રહેલા વડોદરાના સિનીયર ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ યોગેશ પટેલને આખરે મંત્રી મંડળમાં લઈ તેમની નારાજગી દૂર કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે.

જવાહર ચાવડાને સહકાર ખાતુ અપાશે? ધર્મેન્દ્રસિંહ જાડેજાને પોર્ટ ખાતાનો હવાલો સોંપાય તેવી શકયતા

ગાંધીનગરઃ આજે કેબીનેટ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરનાર જવાહર ચાવડાને સહકાર ખાતાનો હવાલો સોંપવામાં આવે તેવી શકયતા છે, તો બીજી તરફ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પોર્ટ એટલે કે બંદર ખાતુ સોંપવામાં આવે તેવી શકયતા છે. વડોદરાના યોગેશ પટેલને કયુ ખાતુ મળશે ? તે અંગે સસ્પેન્સ સર્જાયુ છે. બુધવાર સુધીમાં ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવશે તેવો નિર્દેશ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપ્યો છે.

(3:13 pm IST)