Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ભાગલાવાદીઓ અને આતંકીઓ વચ્ચે સાઠગાંઠઃ ગૃહ મંત્રાલય હુર્રિયત સામે કરશે મોટી કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં જમાત એ ઇસ્લામીને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યા બાદ : હવે ગૃહ મંત્રાલય ભાગલાવાદીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે

નવી દિલ્હી તા. ૯ : જમ્મુ અને કાશ્મીરમાં જમાત એ ઈસ્લામીને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યા બાદ હવે ગૃહ મંત્રાલય ભાગલાવાદીઓ વિરૂદ્ઘ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કાશ્મીર ઘાટીમાં ભાગલાવાદીઓ અને આતંકીઓને ટેરર ફંડિંગ પર સરકાર સકંજો કસવાની તૈયારીમાં છે. હુર્રિયતના મોટા નેતાઓની જમાત એ ઈસ્લામી સાથે સીધા સંબંધો પણ સામે આવી રહ્યાં છે.

શનિવારે ગૃહ મંત્રાલયમાં આ મામલે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત આઈબી, એનઆઈએ, ઈડી, સીબીડીટી સાથે ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. ગૃહ મંત્રાલય કાશ્મીરમાં ભાગલાાદીઓ ઉપર આર્થિક નાકાબંધીને મજબુત કરવા માટે તમામ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ સાથે મિટિંગ કરીને નવો પ્લાન તૈયાર કરી રહ્યું છે.

આતંકવાદને ફંડિગ કરવાના આરોપી ભાગલાવાદી જમાત એ ઈસ્લામી પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. તેના પર પ્રતિબંધ લગાવ્યાં બાદ અત્યાર સુધી સંગઠનના ૩૫૦ સભ્યોની ધરપકડ કરાઈ છે. જયારે ૬૦થી વધુ બેંક ખાતા પણ સીઝ કરાયા છે. આ ઉપરાંત તપાસમાં જમાત એ ઈસ્લામીની કુલ સંપત્તિ ૪૫૦૦ કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરમાં સંગઠનની કુલ ૪૦૦ શાળાઓ, ૩૫૦ મસ્જિદો અને એક હજાર મદરેસાઓ છે.

સરકારે ભાગલાવાદી સમૂહ જમાત એ ઈસ્લામી જમ્મુ કાશ્મીરને કથિત રીતે રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસકારી ગતિવિધિઓ માટે ગેરકાયદેસર ગતિવિધ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત કરી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરની બેઠક બાદ ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધને લઈને અધિસૂચના જારી કરવામાં આવી હતી.

જમાત એ ઈસ્લામી જમ્મુ અને કાશ્મીર પર દેશમાં રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસકારી ગતિવિધિઓમાં સામેલ થવાનો અને આતંકવાદી સંગઠનોની સાથે સંપર્કમાં હોવાનો આરોપ છે. સુરક્ષાદળોએ પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભાગલાવાદી તાકાત વિરુદ્ઘ કાર્યવાહી શરૂ કરી હતી તથા જમાત એ ઈસ્લામી જમ્મુ કાશ્મીરના અનેક નેતાઓ અને સમર્થકોની ધરપકડ કરી હતી.

(11:52 am IST)