Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાહુલને તમે પપ્‍પૂ કહેતા હતા, પણ એમણે તમને પપ્‍પૂ બનાવી દીધાઃ અધીર રંજન ચૌધરી

અગાઉ પણ કેટલાય રાષ્ટ્રપતિ રહ્યા છે, પણ એ નથી સાંભળ્‍યું કે તે ક્‍યા ધર્મના છે, કઈ જાતિના છેઃ પણ હવે ભાજપ તરફથી કહેવાય છે કે, અમે એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્‍યા છે

નવી  દિલ્‍હી,તા.૯: સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા થઈ રહી છે, આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપના મામલા પર કેન્‍દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ ભાજપ તરફથી કેટલાય નેતાઓએ કોંગ્રેસના જૂના ભ્રષ્ટાચારને લઈને ઘેરવાની કોશિશ કરી હતી. બુધવારે કોંગ્રેસના નેતા અને લોકસભા સભ્‍ય અધીર રંજને પોતાના ભાષણ આપ્‍યું છે. તેમણે આ દરમિયાન કહ્યું કે, ભાજપ તરફથી રાષ્ટ્રપતિને વારંવાર આદિવાસી બોલવામાં આવે છે, શું તેઓ આને એક ચૂંટણીનો મુદ્દો બનાવાની કોશિશ કરી રહ્યા છે.

અધીર રંજને પોતાના ભાષણમાં કહ્યું કે, આ અગાઉ પણ કેટલાય રાષ્ટ્રપતિ રહ્યા છે, પણ એ નથી સાંભળ્‍યું કે તે ક્‍યા ધર્મના છે, કઈ જાતિના છે. પણ હવે ભાજપ તરફથી કહેવાય છે કે, અમે એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્‍યા છે. એવું લાગે છે કે, જેમ કે દાન આપ્‍યું હોય. આ દરમિયાન પીએમ મોદીનું નામ લેતા કહ્યું કે, અમે પ્રધાનમંત્રી મોદીને ઓબીસી પીએમ નથી બોલતા, પણ પ્રધાનમંત્રી કહીને બોલાવીએ છીએ. આપણા મહામહિમની કાબેલિયત પર આપ શક કરી રહ્યા છો, તેમનું સન્‍માન કરો.

એટલું જ નહીં તેમણે રાહુલ ગાંધીનો બચાવ કરતા સદનમાં પોતાના ભાષણમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમને બધાને પપ્‍પૂ બનાવી દીધા, આપ રાહુલ ગાંધીને પપ્‍પૂ કહો છો, તેમણે આપને પપ્‍પૂ બનાવી દીધા. રાહુલ ગાંધીના બધા તીર સીધા નિશાન પર લાગ્‍યા. તેમમે રાહુલ ગાંધીને ષડયંત્ર અંતર્ગત ઘેરવાનો આરોપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધીના ભાષણ બાદ આખી ભાજપ બ્રિગેડિયરને રાહુલ ગાંધીની પાછળ લગાવી દીધા. એવું લાગી રહ્યું છે કે, ભાજપ વિરુદ્ધ રાહુલ ગાંધી ચાલી રહ્યું છે. દેશમાં રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીને ઘેરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.

અદાણીના મામલા પર તેમણે ફરીથી કેન્‍દ્ર સરકારનો ઘેરાવ કર્યો અને કહ્યું કે, આખી પાર્ટી અદાણીની વાત કરતા ગરમ થઈ જાય છે. અધીર થઈ જાય છે. અમે શું કરીએ...આ બધુ હિંડનબર્ગમાં છપાયું હતું. અમે અમારા મનનું કંઈ નથી બોલતા, બધું છપાયેલું છે.

(10:21 am IST)