Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ઝારખંડના રાંચીમાં લગ્ન પ્રસંગમાં અનોખો સંયોગ :એક જ પંડાલમાં બાપ અને દીકરીએ સાતફેરા લીધા

લગ્ન કર્યા બાદ આખા ગામને જમાડવાનું હોય છે. જેની ક્ષમતા ન હોવાથી 20 વર્ષ લગ્ન વિહોણા રહ્યાં : દીકરીના લગ્ન વેળાએ માતા-પિતાએ પણ ફેરા લઇ લીધા

ઝારખંડના રાંચીમાં દીનદયાલ નગર સ્થિત આઈએએસ ક્લબ રવિવારે સમાજની એક નવી પરંપરાનું સાક્ષી બન્યું હતું  ગુલાબી અને સફેદ રંગના આ પંડાલમાં સમાજમાંથી દૂર કરાયેલા કે જે દંપતિઓ લીવ ઈનમા રહેતા હતા, તેવા 130 દંપતિઓને લગ્નના બંધનમાં બંધાયા હતા. જેમાં 20 વર્ષથી લઈને 51 વર્ષની ઉંમરના દંપતિઓ પણ સામેલ થયા હતા. જો કે, આ તમામની વચ્ચે એક દંપતિ એવું પણ હતું કે, જ્યાં એક બાજુ દિકરી ફેરા ફરતી અને બીજી બાજુ દિકરીના પિતા પણ ફેરા ફરતા હતા. પિતા સુધેશ્વર ગોપે પોતાની પત્ની પરમી દેવી સાથે અને પુત્રી કલાવતી દેવીએ પોતાના પતિ પ્રતાપ સાથે સાત ફેરા લીધા હતા.

સુધેશ્વરે જણાવ્યું હતું કે, વિતેલા 20 વર્ષથી પોતાની પત્ની સાથે રહે છે, પણ આર્થિક રીતે નબળા હોવાના કારણે લગ્ન કરી શક્યા નહોતા. લગ્ન કર્યા બાદ આખા ગામને જમાડવાનું હોય છે. જેની ક્ષમતા તેમનામાં નહોતી. આ દરમિયાન તેમને ત્રણ બાળકો પણ થયાં. જેમાંની એક દિકરી પણ છે, જેના આજે લગ્ન પણ હતા.

 

આ લગ્નના તાંતણે બંધાયેલા તમામ દંપતિઓ કાળી મજૂરી કરે છે. જેમાંથી અમુક એવા પણ છે, જેમણે પોતાના જ ગામમાંથી એકબીજાને પસંદ કરી લગ્ન કર્યા છે. મોટા ભાગની જોડીઓ એવી હતી, જે એક સાથે ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે અને તે દરમિયાન તેમના વચ્ચે પ્રેમ થયેલો છે. આ તમામ લોકોના લગ્નની જવાબદારી નિભાવતા સામાજિક કાર્યકર્તા જયંતિ દેવીએ જણાવ્યું હતું કે, આ લોકો સાથે રહેવાનો નિર્ણય તો કરે છે, પણ પૈસાના અભાવે લગ્ન કરી શકતા નથી. જો લગ્ન કરે તો આખા ગામને ભોજન કરાવવું પડે છે, જે તેમની ક્ષમતા બહારની વાત છે, એટલા માટે આ તમામ લોકો લિવ ઈનમાં સાથે રહેવા લાગે છે.

(11:10 pm IST)