Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

શેરબજારમાં જુદા જુદા પરિબળની અસર રહેશે : કારોબારી સાવધાન

દિલ્હી ચૂંટણી, એફઆઈઆઈ પ્રવાહ, માઇક્રો ડેટાની અસર રહેશે : દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં કિલર બનેલા કોરોના વાયરસની ભૂમિકા રહેશે : સીપીઆઈ, આઈઆઈપી, ડબલ્યુપીઆઈ સહિતના આંક જારી કરાશે

મુંબઈ, તા.૯ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર દેખાશે જેમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ, એફઆઈઆઈ પ્રવાહ, માઇક્રો ડેટા, કોરોના વાયરસ સહિતના પરિબળોની અસર રહેશે. ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પોલિસી નિર્ણયોની અસર પણ જોવા મળનાર છે. જંગી કોર્પોરેટ ડિવિડંડને લઇને પણ આશા દેખાઈ રહી છે. આવનાર સપ્તાહમાં દલાલ સ્ટ્રીટમાં મહત્વપૂર્ણ આંકડા જારી કરવામાં આવનાર છે જેમાં ફુગાવાના આંકડા, કોરોના વાયરસની અસર અને ચૂંટણીના પરિણામોનો સમાવેશ થાય છે. કારોબારીઓ ડિસેમ્બર મહિનાના ત્રિમાસિક ગાળાના પરિણામો ઉપર પણ નજર રાખશે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળાની કમાણીની સિઝનમાં છેલ્લા સપ્તાહમાં ૨૩૩૦ જેટલી કંપનીઓ આ સપ્તાહમાં તેમના આંકડા જારી કરનાર છે જેમાં નિફ્ટી ૯ કંપનીઓ દ્વારા તેના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ભારત ફોર્જ, ગેઇલ, એમઆરએફના પરિણામ આવતીકાલે સોમવારના દિવસે જાહેર કરાશે જ્યારે ભેલના પરિણામ મંગળવારના દિવસે જાહેર થશે.

         પીએફસીના પરિણામ બુધવારના દિવસે તથા બીપીસીએલ, નેસ્લે ઇન્ડિયા, પેજ ઇન્ડસ્ટ્રી અને વોડાફોનઆઈડિયાના પરિણામ ગુરુવારના દિવસે જાહેર કરાશે. બાલાકૃષ્ણ ઇન્ડસ્ટ્રી અને ગ્લેનમાર્ક ફાર્મા તેમજ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પરિણામ શુક્રવારના દિવસે જારી કરાશે. કોરોના વાયરસના લીધે પણ વૈશ્વિક બજારો હચમચી ઉઠ્યા છે. આ સપ્તાહમાં ૨૩૩૦ જેટલી કંપનીઓ તેમના પરિણામ જાહેર કરનાર છે. આ કંપનીઓ પર કારોબારીઓની નજર કેન્દ્રિત થયેલી છે. માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, કોર્પોરેટ જગતની નજર જાહેર કરવામાં આવનાર સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ ફુગાવા ઉપર પણ રહેશે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ડેટા અને આઈઆઈપી ડેટા ૧૨મી ફેબ્રુઆરીના દિવસે જારી કરાશે જ્યારે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જારી કરાશે. ભારતમાં હોલસેલ કિંમતો ડિસેમ્બર ૨૦૧૯માં વાર્ષિક આધાર પર ૨.૫૯ ટકા વધી ગઈ છે.  માર્કેટ સાથે જોડાયેલા કારોબારી માની રહ્યા છે કે, દિલ્હી ચૂંટણીના પરિણામ પણ અસર કરશે. દિલ્હી ચૂંટણીમાં જો એક્ઝિટ પોલના તારણ મુજબ પરિણામ રહેશે તો તેની અસર પણ જોવા મળી શકે છે.

તેલ કિંમતોમાં સતત પાંચમાં સપ્તાહમાં ઘટાડો થઇ ચુક્યો છે. માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કોરોના વાયરસ હજુ પણ ઓઇલની માંગની નીચી સપાટી પર રાખી શકે છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં છેલ્લા સપ્તાહમાં ૬.૩ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં જ તેની છેલ્લી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી જેમાં વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યા હતા. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે લોંગ ટર્મ રેપો ઓપરેશનના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે, શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૧૫૭૨૭૦.૮ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૩૧૯૮૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી વધીને ૯૦૮૮૮.૦૨ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ ઉપરાંત એચડીએફસી બેંકની માર્કેટ મૂડી વધીને ૬૮૦૩૯૧.૮૫ કરોડ થઇ ગઇ છે.

(8:11 pm IST)