Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

બેંક કર્મીઓ માર્ચમાં ફરીથી હડતાળ પર ઉતરવા ઇચ્છુક

સતત પાંચ દિવસ બેંકો બંધ રહે તેવા સંકેત : બજેટના દિવસે હડતાળ પાડવામાં આવ્યા બાદ જુદી જુદી માંગને લઇને બેંક કર્મચારીઓ ફરીથી હડતાળ પર ઉતરશે

નવીદિલ્હી, તા. ૯ : માર્ચ મહિનામાં ફરી એકવાર બેંકો સતત પાંચ દિવસ સુધી બંધ રહી શકે છે. કારણ કે, બેંક કર્મચારીઓ ફરી હડતાળ ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે, જો તેમની માંગોને સ્વિકાર કરવામાં નહીં આવે તો જાહેર ક્ષેત્રની તમામ બેંકના કર્મચારી ૧૧-૧૩મી માર્ચની વચ્ચે ત્રણ દિવસ માટે હડતાળ ઉપર ઉતરી જશે. બજેટના દિવસે અને તેનાથી એક દિવસ પહેલા જ હડતાળ પાડવામાં આવી હતી. બેંક કર્મચારીઓની હડતાળ પડ્યા બાદ સરકાર ઉપર દબાણ વધારવામાં આવ્યું હતું. બેંક કર્મચારીઓનું કહેવું છે કે, માર્ચ મહિનામાં ફરીથી ત્રણ દિવસ માટે હડતાળ પર જઇ શકે છે. જો આવું થશે નહીં તો માર્ચના બીજા સપ્તાહમાં ફરીથી પાંચ દિવસની હડતાળ પાડવામાં આવશે. જાહેર ક્ષેત્રની તમામ બેંકોના કર્મચારી ૧૧-૧૩મી માર્ચ વચ્ચે ત્રણ દિવસની હડતાળ પર જશે.

          ૧૪મી માર્ચના દિવસે બીજો શનિવાર અને ૧૫મી માર્ચના દિવસે રવિવાર હોવાથી બેંક સતત પાંચ દિવસ બંધ રહેશે. બેંક કર્મચારીઓની માંગ છે કે, પગારમાં વધારાને લઇને દર પાંચ વર્ષમાં સુધારા કરવાની જરૂર છે. છેલ્લે ૨૦૧૨માં પગારમાં વધારો કરાયો હતો. આગામી વખતે ૨૦૧૭માં આ અંગે નિર્ણય થનાર હતો પરંતુ કોઇ નિર્ણય લેવાયો ન હતો. આ ઉપરાંત બેંક યુનિયનોની માંગ છે કે, સપ્તાહમાં બે દિવસની રજા હોવી જોઇએ. બેંક યુનિયન ઇચ્છે છે કે, ખાસ ભથ્થાઓને બેઝિક પગાર સાથે જોડી દેવાની જરૂર છે. ન્યુ પેન્શન સ્કીમને ખતમ કરવાની જરૂર દેખાઈ રહી છે. ફેમિલી પેન્શન સ્કીમમાં પણ સુધારા કરવાની જરૂર દેખાઈ રહી છે. બેંક કર્મચારીઓ વારંવાર હડતાળ ઉપર જઈ રહ્યા છે જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના આ વર્તનને લઇને સામાન્ય લોકોમાં રોષ છે. એકબાજુ બેંકિંગ ક્ષેત્રને લઇને વિશ્વાસ જગાવવાના પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે વારંવાર હડતાળથી પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.

(8:09 pm IST)