Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ખાનગી કંપનીઓ હવે ૫૦૦ યાત્રી ટ્રેન દોડાવવા સુસજ્જ

૭૫૦થી વધુ સ્ટેશનો મેનેજ કરવા પણ ઇચ્છુક : ખાનગી મૂડીરોકાણ માટે રેલવેને વધુ ખોલવા માટે રેલવે મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના તૈયાર : સુવિધાઓ વધશે

નવી દિલ્હી, તા. ૯ : ખાનગી મૂડીરોકાણ માટે રેલવેને ખોલી દેવાના પ્રયાસના ભાગરુપે રેલવે મંત્રાલય દ્વારા ૫૦૦થી વધુ પેસેન્જર ટ્રેનો ચલાવવા ખાનગી કંપનીઓને મંજુરી આપવાની મહત્વકાંક્ષી યોજના તૈયાર કરી લીધી છે. ખાનગી કંપનીઓને ૫૦૦થી વધુ યાત્રી ટ્રેનો ચલાવવા, ૭૫૦થી વધુ સ્ટેશનો મેનેજ કરવા અને ખાનગી કંપનીઓ પાસેથી રોલિંગ સ્ટોકની ખરીદી કરવાની પણ તૈયારી કરી છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઈનમાં આ તમામ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષ માટે રેલવે દ્વારા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઈનની રચના કરવામાં આવી છે. હજુ સુધી રેલવે મંત્રાલયે જાહેરમાં કહ્યું છે કે, ૧૦૦થી વધુ ઓળખાયેલા રુટ ઉપર ૧૫૦ ટ્રેનો ચલાવવા માટે ખાનગી કંપનીઓને મંજુરી આપવા માટે તે ઉત્સુક છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નીતિ આયોગ અને રેલવેની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલી ડ્રાફ્ટ છુટછાટ સમજૂતિ અને લાયકાત માટેની મુસદ્દા વિનંતીમાં સંબંધિતો પાસેથી વિગત માંગવામાં આવી છે.

              રેલવે મંત્રાલય રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટેની યોજના તૈયાર કરી લીધી છે. ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ, રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અને અન્ય કેન્દ્રીય સરકારી સંસ્થાઓ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા ઇચ્છુક છે. લાંબા ગાળાના ભાડા પટ્ટાના આયોજન માટે પણ તૈયારી કરાઈ છે. સ્ટેશનોના સોશિયો ઇકોનોમીક ફિઝિબિલિટી અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફિઝિબિલિટી અભ્યાસના પરિણામના આધાર પર તબક્કાવાર રીતે રિડેવલપમેન્ટ માટેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

           રિડેવલપમેન્ટ સ્ટેશનોમાં નવી સુવિધાઓ ઉમેરવાની યોજના રહેલી છે જેમાં યાત્રીઓના આગમન, રવાનગીને લઇને સુવિધાઓ, હેરાનગતિ ન થાય તે માટેની વ્યવસ્થા, યોગ્ય ટાઇમ ટેબલ, સ્ટેશનોમાંથી એન્ટ્રી અને એેક્ઝિટમાંથી સરળ તૈયારીની બાબતનો સમાવેશ થાય છે. સ્ટેશનો ઉપર ઉપલબ્ધ સુવિધાઓને વધારવાની બાબત પણ આમા સામેલ થયેલી છે. રેલવે બજેટને સામાન્ય બજેટમાં મર્જ કરવામાં આવ્યા બાદ હાલમાં જ રેલવેને લઇને પણ કેટલીક જાહેરાતો કરાઈ હતી. ખાનગી કંપનીઓ દ્વારા હવે ૫૦૦ યાત્રી ટ્રેનો દોડાવવામાં આવનાર છે.

(7:58 pm IST)