Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

બઢતીમાં અનામત : સુપ્રીમના ચુકાદાથી ચિરાગ પાસવાન અસહમત

સુપ્રીમનો ચુકાદો પુણેપેક્ટની વિરુદ્ધમાં છે : ચિરાગ પાસવાન : જુની વ્યવસ્થાને યથાવત રાખવા મોદી સરકારને અનુરોધ

નવીદિલ્હી, તા. ૯ : બિહારની લોકજન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને અસહમતિ દર્શાવી છે. કોર્ટે  ૭મી ફેબ્રુઆરીના દિવસે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિને સરકારી નોકરી, પ્રમોશનમાં અનામત આપવા માટે બંધાયેલી નથી. એલજેપીના નેતા પુના પેક્ટનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, જુની વ્યવસ્થાને ચલાવી લેવામાં આવે તે મહત્વપૂર્ણ બાબત છે. એલજેપીના નેતાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા સાતમી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે આપવામાં આવેલા નિર્ણય જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને સરકારી નોકરી આપવા માટે બંધાયેલી છે. આ સંદર્ભમાં ચિરાગ પાસવાને નારાજગી વ્યક્ત કરી હતી.

          ચિરાગ પાસવાને પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. એલજેપી અધ્યક્ષે કહ્યું છે કે, કોર્ટનો આ ચુકાદો પુણેપેક્ટની વિરુદ્ધમાં છે. ચિરાગે જુની વ્યવસ્થા સ્થાપિત કરવા માટે પગલા લેવાની મોદી સરકાર સમક્ષ રજૂઆત કરી છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને ફગાવી દઇને ૭મી ફેબ્રુઆરીના દિવસે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. આને લઇને પણ હવે જોરદાર વિવાદ છેડાઈ જવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના એવા આદેશને ફગાવી દીધો હતો

            જેમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રમોશનમાં અનામત આપવા માટે હાઈકોર્ટ ક્વાન્ટિટેવિટ ડેટા એકત્રિત કરે. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, ડેટા એકત્રિત કરીને એવી માહિતી મેળવવામાં આવે કે એસસી અને એસટી કેટેગરીના લોકોના પુરતા પ્રતિનિધિ છે કે કેમ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પ્રમોશનમાં રિઝર્વેશન આપવાને લઇને પુરતી માહિતી હોવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારોને રિઝર્વેશન આપવા માટે નિર્દેશ જારી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપવા માટે બંધાયેલી નથી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામતના મુદ્દે સ્પષ્ટ વલણ ધરાવે છે. પ્રમોશનમાં અનામતનો દાવો કરવા કોઇના પણ મૌલિક અધિકારો નથી. કોર્ટ આના માટે નિર્દેશ જારી કરી શકે નહીં કે રાજ્ય સરકાર કોઇને અનામત આપે.

(7:55 pm IST)