Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

એક્ઝિટ પોલના તારણ અંતે ખોટા રહેશે : કોંગ્રેસનો દાવો

પાર્ટીનો દેખાવ સારો રહેશે : પીસી ચાકોનો મત : પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પ્રચારમાં પુરતી તાકાત લગાવી ન હોવાના કોંગ્રેસી નેતાઓના અભિપ્રાય આવ્યા : અહેવાલ

નવીદિલ્હી, તા. ૯ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ પરોક્ષરીતે હાર સ્વિકારી લીધી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીના દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રભારી પીસી ચાકો અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પણ કહી ચુક્યા છે કે, એક્ઝિટ પોલ કરતા ચંૂટણી પરિણામ અલગ રહેશે. એક્ઝિટ પોલને ફગાવી દઇને તેમણે કહ્યું છે કે, વાસ્તવિક પરિણામ કંઇ અલગ રહેશે. કોંગ્રેસ પાર્ટીના સર્વેના અંદાજ વધુ સારા દેખાવવાના સંકેત આપે છે. તેમની નજરમાં એક્ઝિટ પોલના તારણ અલગ રહે છે. શનિવારના દિવસે મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણ આવ્યા હતા જેમાં તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની વાપસી થઇ રહી છે જ્યારે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ પહેલા કરતા પણ વધારે ખરાબ થઇ રહી છે. પીસી ચાકોનું કહેવું છે કે, તમામ બાબત પરિણામો ઉપર આધારિત છે. પરિણામ આવી ગયા બાદ જ વધારે વાત કરવામાં આવશે.

         કોંગ્રેસ સર્વેના અંદાજથી સારી અપેક્ષા રાખે છે. મુસ્લિમ સમુદાયના લોકો કોંગ્રેસ પાર્ટીને છોડીને દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફ આગળ વધી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસની મત હિસ્સેદારી પણ ઘટી રહી છે. દિલ્હીમાં એએપીની સરકાર ફરીવાર બની રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે સારા સંકેત એ છે કે, તેની મત હિસ્સેદારીમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. સાથે સાથે સીટોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં સતત ૧૫ વર્ષ સુધી શાસન કરી ચુકેલી કોંગ્રેસ પાર્ટીને માત્ર પાંચ ટકા મત હિસ્સેદારી મળી રહી છે જે ૨૦૧૫માં જે પરિણામ આવ્યા હતા તેના કરતા પણ અડધા મત છે. ૨૦૧૫ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦ ટકા મત મળ્યા હતા અને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૫માં કોંગ્રેસ પાર્ટીને એક પણ સીટ મળી ન હતી. આ વખતે પણ મોટાભાગના સર્વેમાં કોંગ્રેસને એક પણ સીટ મળી રહી નથી. એક્ઝિટ પોલ દર્શાવે છે કે, કોંગ્રેસના પારમ્પરિક વોટર રહી ચુકેલા મુસ્લિમો પણ આમ આદમી પાર્ટીની સાથે દેખાઈ રહ્યા છે.

             મુસ્લિમ મતદારોએ ભાજપની હારની ખાતરી કરવા માટે રણનીતિ હેઠળ એકતરફી મતદાન કર્યું છે. મુસ્લિમ મતદારોને એવી દહેશત સતાવી રહી હતી કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મત વહેંચાઈ જશે તો ભાજપને ફાયદો થશે અને સત્તા સુધી ભાજપ પહોંચી જશે. આ પ્રકારની ગણતરી સાથે મુસ્લિમ સમુદાયના લોકોએ મતદાન કર્યું છે. કોંગ્રેસ તરફથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, પાર્ટીના નેતાઓ તાકાત દર્શાવી રહ્યા નથી. પાર્ટી દ્વારા પ્રચારમાં ભાગ લેવાયો ન હતો. છેલ્લી ઘડીએ રાહુલ અને પ્રિયંકાએ રેલીઓ યોજી હતી. ઘોષણાપત્ર જારી કરતી વેળા પણ મિડિયા મેનેજમેન્ટ તરફ કોંગ્રેસ તરફથી ધ્યાન અપાયું ન હતું. જો કે, એક્ઝિટ પોલના તારણોને ભારતીય જનતા પાર્ટીએ પણ ફગાવી દીધા છે. પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ તારણો અંગે વાત કરતા કહ્યું છે કે, આ અહેવાલ ખોટા સાબિત થશે. ભાજપ ૪૮ સીટ સાથે દિલ્હીમાં સરકાર બનાવશે.

(7:53 pm IST)