Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

રાજસ્થાનમાં સીએએને લાગૂ કરવા સીપી જોશીની માંગણી

કોંગ્રેસી નેતાના નિવેદનથી જોરદાર ખળભળાટ : કોંગ્રેસમાં અસંતોષનું મોજુ : ભાજપે વિધાનસભા અધ્યક્ષ જોશીના નિવેદનનું કરેલ સ્વાગત : અભિનંદન પણ અપાયા

જયપુર, તા. ૯ : રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ નિવેદન જારી કરીને કોંગ્રેસ પાર્ટીમાં જ ખળભળાટ મચાવી દીધો છે. નાગરિક સુધારા કાનૂનને લાગૂ કરવાના નિવેદન ઉપર હવે ભાજપના નેતા પણ સીપી જોશીને અભિનંદન આપી રહ્યા છે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીષ પુનિયા અને અન્યોએ શશી થરુર અને કપિલ સિબ્બલ જેવા કોંગ્રેસી નેતાઓના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે. આ લોકોએ કાનૂની મજબૂરીના પરિણામ સ્વરુપે સીએએને લાગૂ કરવાની મોટી વાત કરી છે. સતીષ પુનિયાએ કહ્યું છે કે, તેઓ સીપી જોશીના નિવેદનનું સ્વાગત કરે છે તેમને અભિનંદન પણ આપે છે. તેઓએ સીએએનું સમર્થન કર્યું છે.

આ પહેલા પણ કોંગ્રેસના કેટલાક નેતા શશી થરુર, જયરામ રમેશ, સલમાન ખુરશીદ અને કપિલ સિબ્બલ નિવેદન કરી ચુક્યા છે કે, નાગરિક સુધારા કાનૂનને લાગૂ કરવામાં આવશે. હકીકતમાં સીપી જોશીએ શુક્રવારના દિવસે ઉદયપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા નાગરિક સુધારા કાનૂન એટલે કે સીએએને દરેક રાજ્યમાં અમલી કરવાની જરૂર છે. સીપી જોશીએ એમ પણ કહ્યું હતું કે, નાગરિક કાનૂન રાજ્યનો નહીં બલ્કે કેન્દ્ર સરકારનો વિષય છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાનૂનને રાજ્યોમાં લાગૂ કરવાની જરૂર દેખાઈ રહી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત પહેલાથી જ સીએએ અને એનઆરસીને રાજ્યમાં લાગૂ નહીં કરવાની વાત કરી ચુક્યા છે. રાજ્ય સરકારે આની સામે વિધાનસભામાં સંકલ્પ પણ પસાર કર્યો છે. રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીમાં હાલમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનું મોજુ ફેલાઈ ગયું છે. આ પ્રકારના નિવેદન ન કરવા માટે સીપી જોશીને સૂચના આપવામાં આવી છે.

(7:55 pm IST)