Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

યુપી - ઉત્તરાખંડમાં ઝેરીલી શરાબનો કહેર : ૮૨ના મોત

સહારનપુર જિલ્લામાં મૃત્યુઆંક ૩૬ થયો : અનેકની સ્થિતિ નાજુક

લખનૌ તા. ૯ : ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરીલી શરાબના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મેરઠ, સહારનપુર, રૂડકી અને કુશીનગરમાં ઝેરીલી શરાબ પીવાથી મૃત્યુઆંક ૮૨ એ પહોંચ્યો છે. જેમાં મેરઠમાં ૧૮, સહારનપુરમાં ૩૬, રૂડકીમાં ૨૦ અને કુશીનગરમાં ૮ના મોત થયા છે. યુપી સરકારના જણાવ્યા મુજબ ઝેરીલી શરાબથી મૃત્યુ પામનારા વધુ લોકો એ છે જે ઉત્તરાખંડમાં એક તેરમા સંસ્કારમાં હાજર થવા ગયા હતા. અને તે લોકોએ તે જ શરાબનું સેવન કર્યું.

સહારનપુરના અધિકારીઓના જણાવ્યા મુજબ સમારોહમાં ગયેલા લોકો પાછા આવ્યા તો મોત નિપજવા લાગ્યા. અત્યાર સુધીમાં આ મામલે ૪૬ લોકોનું પોસ્ટમોર્ટમ થઇ ચૂકયું છે. જેમાં ૩૬ લોકોના મોત શરાબના કારણે ગણાવાય રહી છે. સહારનપુર જિલ્લાના નાગલ, ગાગલહેડી અને દેવબંધ થાના ક્ષેત્રના અનેક ગામમાં જ્યાં મોડી રાતે શરાબ પીવાથી ૪૪ લોકોના મોત થઇ ચૂકયા છે. અત્યારે ૩૦થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકોની સ્થિતિ નાજુક ગણાવાય રહી છે.

પ્રશાસનની લાપરવાહી માટે સરકારે નાગલ થાના પ્રભારી સહિત આ પોલીસ કર્મી અને આબકારી વિભાગના ત્રણ ઇન્સ્પેકટર તેમજ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી બાજુ આબકારી વિભાગના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.(૨૧.૩૧)

 

(3:20 pm IST)