Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ભારતીય કિસાન સંઘના સ્થાપક જીવણદાદા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી

શાહે દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે તે માટે પ્રાર્થના અને તેમના પરિજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

નવી દિલ્હી : ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય આગેવાન પૂજ્ય જીવણ દાદા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

 શાહે ભારતીય કિસાન સંઘના સ્થાપક સભ્ય પૂજ્ય જીવણ દાદાના અવસાન અંગે આઘાત સહ દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જીવણ દાદાનો જન્મ કલોલ તાલુકાના જામળા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો તેઓને અભ્યાસની મર્યાદિત તકો ઉપલબ્ધ થયેલ હોવા છતાં તેઓએ ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય કિસાન સંઘમાં 40 થી વધુ વર્ષોનું અમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ શરૂઆતથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા અને રાષ્ટ્ર હિતની વિચારધારા સાથે કિસાનોની સમસ્યાના ઉકેલ, કિસાનોના અધિકાર અને કિસાનોની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અંગે જનજાગૃતિ ફેલાવવા અને કિસાનોના હિત અને ઉત્થાન માટે એકનિષ્ઠ અને અવિરત પ્રયાસોમાં સમર્પિત રહ્યા. તેઓ વર્તમાનમાં ભારતીય કિસાન સંઘમાં કેન્દ્રિય કારોબારીમાં સલાહકાર તરીકે કાર્યરત હતા. તેઓના અવસાનથી ગુજરાત અને સમગ્ર દેશમાં કૃષક કલ્યાણ ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે. શાહે અંતમાં કહ્યું હતું કે તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે.

શાહે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહજી સોલંકીના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે માધવસિંહજીએ ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ભારતના વિદેશમંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી. ગુજરાત અને દેશના રાજકીય અને જાહેર જીવનમાં તેઓનો ફાળો ચિર સ્મરણીય રહેશે. શાહે દિવંગત આત્માને ઈશ્વર શાંતિ આપે તે માટે પ્રાર્થના અને તેમના પરિજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

(9:50 pm IST)