Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોનાની રસી લેનારને QRકોડ આધારીત પ્રમાણપત્ર અપાશે

રસીકરણ તો સ્વૈચ્છીક છે પણ સરકારે તમામને રસી લેવાની સલાહ આપી છેઃ રસીના બે ડોઝ ૨૮ દિવસના અંતરે અપાશે

દેશમાં કોવિડ-૧૯ રોગચાળા સામે લડવા કટોકટીના ઉપયોગ તરીકે ભારતે બે રસી કોવિશિલ્ડ અને કોવેકિસનને મંજૂરી આપી છે. સામૂહિક રસીકરણ ડ્રાઈવ બે અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના છે.

નિષ્ણાતોના મંતવ્યોના આધારે, તમારે કોવિડ-૧૯ રસી વિશે જાણકારી માહિતી અહીં છે.

પ્ર.૧: કોવિડ- ૧૯ રસીકરણ ફરજિયાત છે?

જ.: ના, તે સ્વૈચ્છિક છે. જો કે, ભારત સરકારે બધાને રસી લેવાની સલાહ આપી છે.

પ્ર.૨: ભારતની આખી વસ્તીને કયારે રસી આપવામાં આવશે?

જ.: સરકાર જુલાઈ સુધીમાં ફ્રન્ટલાઈન અને ઉચ્ચ જોખમવાળા જૂથોને અને આ વર્ષે ઓકટોબર સુધીમાં આખી વસ્તીનું રસીકરણ કરવાની યોજના ધરાવે છે.

પ્ર.૩ : શું કોરોના વાયરસ રસી સુરક્ષિત છે કારણે કે તે ટૂંકાગાળામાં વિકસિત થઈ છે?

જ.: ભારતમાં માન્યતા આપેલી બે રસી- કોવિશિલ્ડ, ઓકસફર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત અને કોવેકિસન- હૈદ્રાબાદ સ્થિત ભારત બાયોકેટ દ્વારા વિકસિત, બંનેને બહોળા સલામતી અને અસરકારકતાના અભ્યાસ પછી નિયમનકારી બોડી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. એસ્ટ્રાઝેનેકાની રસી પહેલેથી જ યુકેમાં આવી ગઈ છે.

પ્ર.૪: જેઓ કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે તેમને રસી આપવી જોઈએ?

જ.: કોરોના વાયરસ રસી વધુ મજબૂત પ્રતિરક્ષાની ખાતરી કરશે અને એક વર્ષ સુધી પ્રતિરક્ષા વધારવાનું સાબિત થયું છે. જો કે, હજી વધુ અભ્યાસ ચાલુ છે.

પ્ર.પઃ શું કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વ્યકિતને રસી આપી શકાય છે ?

જ.: કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વ્યકિતએ ૧૪ દિવસ સુધી રસીકરણ ટાળવું જોઈએ.

પ્ર.૬. : કોવિડ-૧૯ રસીનો ડોઝ કેટલા દિવસના અંતરે આપવામાં આવે છે ?

જ.: કોરોના વાયરસ રસીના બે ડોઝ ૨૮- દિવસના અંતરાલમાં આપવાના રહેશે. નિષ્ણાતો સૂચવે છે કે દરેક ડોઝ વચ્ચે ૨-૩ મહિનાનું અંતર અસરકારકતામાં વધારો કરી શકે છે.

પ્ર.૭. : રસી લીધા પછી કોરોના વાયરસ સામે એન્ટિ-બોડીઝ કયારે વિકસિત થશે ?

જ.: રસીની બીજી માત્રા લીધાના બે અઠવાડિયા પછી કોરોના વાયરસ સામે એન્ટિબોડીઝ વિકસિત થવાની સંભાવના છે. અજમાયશી માહિતી મુજબ , રસીના પ્રથમ ડોઝ પછી સ્વયંસેવકોએ પ્રભાવશાળી પરિણામો મેળવ્યા હતા.

પ્ર.૮: શું કોવિડ-૧૯ રસીની કોઈ આડઅસર છે ?

જ. : કોરોના વાયરસ રસી લગાવવાના દિવસે સહેજ હાથમાં દુખાવો અને હળવો તાવ નોંધાયો છે.

પ્ર.૯: ભારતમાં કોરોના વાયરસ રસીનો ખર્ચ કેટલો છે ?

જ.: કોવિડશિલ્ડ સરકારને ૨૦૦ રૂપિયામાં વેચે તેવી સંભાવના છે અને ૨૦૨૧ માર્ચ સુધીમાં ખાનગી ઉપયોગ માટે ૭૦૦-૮૦૦ રૂપિયામાં વેચાય તેવી સંભાવના છે. કોવેકિસન પાસે હજી નકકી કરેલી કિંમત નથી પરંતુ અહેવાલો સૂચવે છે કે તેની કિંમત આશરે ૩૫૦ રૂપિયા કે તેથી ઓછી હશે.

પ્ર.૧૦: શું ભારતમાં કોવિડ-૧૯ રસી સંગ્રહ કરવાની ક્ષમતા છે?

જ.: ભારતમાં સતત રસીકરણ ડ્રાઇવ ચાલુ છે. રસી નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જ્યારે ડ્રાય રન મોટા પ્રમાણમાં સફળ રહ્યું છે.

પ્ર.૧૧: કેવી રીતે જાણવું કે આપણે કોરોના વાયરસ રસી માટે પાત્ર છીએ ?

જ : કોરોના વાયરસ રસીઓ હમણાં જનતા માટ ેસુલભ રહેશે નહીં. એકવાર તેજાહેર જનતા માટે મળતી થઈ જાય પછી, વ્યકિતએ આઈડી પ્રૂફ સહિતની તમામ વિગતો આપીને કો-વિન મોબાઇલ એપ્લિકેશન પર નોંધણી કરાવાની રહેશે.

ત્યારબાદ લાભાર્થીને રસીકરણની તારીખ, સમય અને સ્થળ સંબંધિત તેમના નોંધાયેલા નંબરપર એક SMS મળશે.

પ્ર.૧૨ : નોંધણી માટે કયા દસ્તાવેજો જરૂરી છે ?

જ.: કોઈપણ સરકાર દ્વારા માન્ય ફોટો ID કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID બેંક પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, જોબકાર્ડ અથવા પેન્શન દસ્તાવેજો, કોરોના વાયરસ રસીકરણ ડ્રાઈવ દરમિયાન નોંધણી માટે પ્રદાન કરી શકાય છે.

પ્ર.૧૩: આપણને રસીકરણનો પુરાવો મળશે ?

જ.: જેમણે કોરોના વાયરસ રસી લીધી છે તેઓને QR કોડ આધારિત પ્રમાણપત્ર મળશે.

પ્ર.૧૪: રસીકરણ સ્થળ પર શું સાવચેતી રાખવાની હોય છે ?

જ.: ૩૦મિનિટઆરામ કરો, જાતે મોનિટર કરો અને કોવિડ પ્રોટોકોલ્સને અનુસરો.(૩૦.૪)

નબીલા જમાલ (સૌ. ધ વાયર.ઈન)

(2:44 pm IST)