Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ખેડૂત- સરકાર વચ્ચેની 8મા તબક્કાની મંત્રણા પણ નિષ્ફળ : 15મીએ ફરી બંને પક્ષ મળશે:11મીએ ખેડૂતોની બેઠક થશે

સરકારે બેઠકમાં કહી દીધું કે કાયદા પાછા નહીં ખેંચાય: ખેડૂતો કાયદો રદ કરાવવા મક્કમ

કૃષિ કાયદા નાબૂદ કરવાની માગ સાથે ખેડૂતો અને સરકાર વચ્ચેની 8મા તબક્કાની મંત્રણા પણ નિષ્ફળ ગઇ. બંને પક્ષો પોતાના વલણ પણ અડેલા છે. બેમાંથી કોઇ પણ પાછળ હટવા તૈયાર નથી.સરકારે શુક્રવારની બેઠકમાં કાયદા પાછી ખેંચવાનો સ્પષ્ટ નનૈયો ભણી દેતા, ખેડૂતો હવે શું પગલાં લેશે તેના પર સૌની નજર છે. જો કે તે દરમિયાન હજુ 15મી જાન્યુઆરીએ ફરી બંને પક્ષ વચ્ચે વાતચીત થવાની છે.

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને પાછા ખેંચવા માટે ખેડૂતો રાજધાની દિલ્હીમાં આશરે દોઢ મહિનાથી આંદોલન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ચિંતા જતાવી છે. દરમિયાન શુક્રવારે આંદોલનકારી ખેડૂતો આને સરકાર વચ્ચે 8માં તબક્કાની વાતચીત થઇ હતી. પરંતુ બંને પક્ષોના અડગ વલણને કારણે કોઇ પરિણામ આવ્યું નહીં.

શુક્રવારની બેઠકમાં સરકારે ખેડૂતોની માગ ફગાવતા ખેડૂતોની એક કમિટી બનાવવાનો પ્રસ્તાવ આપ્યો. જ્યારે બેઠક બાદ ખેડૂત નેતા હનાન મુલાએ કહ્યું કે કૃષિ કાયદા ખેડૂત વિરોધી છે. હવે 11 જાન્યુઆરીએ ખેડૂત સંગઠનોની એક બેઠક મળશે.

ખેડૂત અને સરકાર વતી આજની બેઠક 3 કલાક ચાલી હતી. જેમાં સરકારની પ્રતિનિધિ તરીકે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર અને કેન્દ્રીયમંત્રી પીયૂષ ગોયલ હાજર હતા. હવે 9માં તબક્કાની બેઠક 15 જાન્યુઆરીએ મળશે

સરકાર સાથે બેઠકમાં ખેડૂત નેતા બળવંત સિંઘે એક નોટ લખી છે. સરકારથી નારાજ બળવંત સિંઘે લખ્યું છે કે ‘યા મરેંગે યા જીતેંગે’. સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠકમાં નિર્ધારિત સમયે લંચ બ્રેક પડ્યો હતો. જેમાં સરકારી મંત્રીઓ તો મીટિંગરુમની બહાર આવ્યા હતા. પરંતુ ખેડૂત નેતાઓ અંદર જ રહ્યા હતા અને તેમણે લંચનો બહિષ્કાર કર્યો હતો

કૃષિ કાયદા અંગે ખેડૂતો સંગઠનો અને સરકારી પ્રતિનિધિઓ વચ્ચે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક થઇ હતી. જેમાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું કે દાયદા સમગ્ર દેશ માટે છે કોઇ રાજ્ય માટે નથી. સાથે તેમણે દાવો કર્યો કે આ કાયદાને સમગ્ર દેશના ખેડૂતોનું સમર્થન છે. ખેડૂત નેતાઓએ સમગ્ર દેશના હિતમાં આંદોલન પાછું ખેંચી લેવું જોઇએ. જ્યારે ખેડૂતોએ કહ્યું કે તેઓ કાયદા પાછા ખેંચાવવા માગે છે. તે સિવાય બીજું કંઇજ મંજૂર નથી. પરંતુ સરકારે પણ બેઠકમાં કહી દીધું કે કાયદા પાછા નહીં ખેંચાય.

(12:00 am IST)