Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સવર્ણ અનામતનો નિર્ણય મોદીએ અત્યંત ગુપ્તતાથી લીધો : માત્ર ૧ દિ'માં જ ફેંસલો : અનેક પ્રધાનો હતા અજાણ

માત્ર એક જ દિ'માં તૈયાર થઇ કેબિનેટ નોટ

નવી દિલ્હી તા. ૯ : આર્થિક રીતે પછાતોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય અત્યંત ગુપ્તતાથી ૧ દિવસમાં લેવાયો હતો જેની જાણ અનેક પ્રધાનોને પણ ન્હોતી.

આર્થિક રીતે પછાત સવર્ણોને ૧૦ ટકા અનામત આપવા માટે સંવિધાનમાં સંશોધનવાળા બિલનું પ્રપોઝલ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે માત્ર એક દિવસમાં તૈયાર કર્યું હતું. આ અંગે કેન્દ્રીય મંત્રીઓને પણ માહિતી અપાઇ નહોતી. કહેવાય છે કે ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પોતાની વોટ બેન્કને ખુશ કરવા માટે મોદી સરકારે આ નિર્ણય લીધો.

સૂત્રોએ કહ્યું કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે સોમવારના રોજ મીટિંગ માટે કેબિનેટ નોટ એક દિવસમાં બનાવી હતી. તેને મંત્રીઓને પણ દેખાડાઇ નહોતી. એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે સરકાર સંવિધાન સંશોધન બિલ પ્રસ્તુત કરવાની યોજના બનાવી રહ્યું હતું. નિર્ણય ઉચ્ચતમ સ્તર પર લેવાયો અને મંત્રાલયને એક પ્રપોઝલ તૈયાર કરવા માટે કહ્યું હતું.

મંત્રાલયે પ્રપોઝલ તૈયાર કરવા માટે આર્થિક રીતે પછાત વર્ગોની પરિભાષા માટે પહેલેથી જ આપેલા માપદંડનો ઉપયોગ કર્યો. જો કે મંત્રીમંડળમાંથી તેને સ્વીકૃતિ મળી ગઇ છે, પરંતુ હજુ કાયદા મંત્રાલય સંવિધાનમાં સંશોધનને લઇ તેમાં કેટલાંક સુધારા કરી રહ્યું છે.

આ બિલની સાથે મોદી સરકારે ઉપલી જાતિઓની પોતાની મુખ્ય વોટબેન્કને ખુશ કરવાની કોશિષ કરી છે. તેની સાથે જ તેના પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસે આ મુદ્દાને પણ વધાવી લીધો છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના પહેલાં કાર્યકાળ દરમ્યાન સવર્ણોથી સંબંધિત અનામત પર મંતવ્ય આપવા માટે જનરલ એસ આર સિન્હાના નેતૃત્વમાં ૨૦૦૬માં એક કમિટી બનાવી હતી. કમિટીએ પોતાનો રિપોર્ટ ૨૦૧૦માં આપ્યો હતો. જો કે ત્યારબાદ સરકારો એ રિપોર્ટ પર કોઇ પગલાં ઉઠાવ્યા નહોતા.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ સરકારને આ પ્રકારના પગલાં ઉઠાવાની જરૂરિયાત મહેસૂસ થઇ હતી. ભાજપના આંતરિક સર્વેક્ષણોથી ખબર પડી કે પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગને સંવિધાનમાં સંશોધન દ્વારા સંવૈધાનિક દરજ્જો આપવાની મતદાતાઓ પર કોઇ અસર પડતી નથી.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સમર્થન આપી રહેલા ઓબીસીને આ વખતે કોંગ્રેસે પોતાના પક્ષમાં કરવામાં સફળતા પ્રાપ્ત કરી અને આ બંને રાજયોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો. સરકારના એક મંત્રીએ કહ્યું કે આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતના પ્રસ્તાવ પર સિન્હો કમિટીના ૨૦૧૦માં રિપોર્ટ આપ્યા બાદથી વાતો થઇ રહી હતી, પરંતુ તેને લઇ હજુ પગલાં ઉઠાવાનું કારણ હાલના વિધાનસભા ચૂંટણી પરિણામો હતા. આપણે પોતાના કોર વોટરોને ફરીથી સાથે લેવાની જરૂરિયાત છે.(૨૧.૧૧)

(11:35 am IST)