Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સસ્તા મકાનો માટેની બજેટ ફાળવણી પ૦% વધારાશે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફાયદો વધુ લોકોને પહોંચાડવાની તૈયારીમાં સરકારઃ ૨૦૨૨ સુધીમાં ૪ કરોડ નવા મકાનો બાંધવાની નેમ

નવી દિલ્હી તા.૯: કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ સસ્તા ઘરોનો ફાયદો વધારે લોકોને આપવા માટે બજેટ ફાળવણી પ૦ ટકા વધારશે.

સુત્રો અનુસાર ૧ ફેબ્રુઆરી એ રજુ થનાર વચગાળાના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બજેટમાં ૫૦ ટકાથી પણ વધારે વધારો થવાની શકયતા છે. હાલમાં  આ ફંડ લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનું છે જેને ૧૫ હજાર કરોડ રૂપિયા કરવામાં આવશે. આ ફંડ વધ્યા પછી આ સ્કીમનો વ્યાપ પણ વધારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨ સુધીમાં દેશના બધા પરિવારોને રહેવા માટે પાકુ ઘર આપવા માટે સરકાર આ પગલું લેવાનું નક્કી કરી રહી છે.

પ્રોપર્ટી વિશેષજ્ઞોનું કહેવું છે કે સરકારની આ પહેલથી હાઉસીંગ ફોર ઓલનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે. હાલમાં આ લક્ષ્યથી ઘણુ દૂર છે. આ ફંડમાં વધારો થવાથી દેશમાં સસ્તા ઘરોની ઓછપ દૂર થવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ વર્ષે જ ઘર ખરીદનારાઓને ભેટ આપતા ક્રેડીટ લીંકડ સબસીડી સ્કીમ (વ્યાજ સબસીડી) ની મુદ્દત ૧ વર્ષ માટે વધારી આપી હતી. તેના દ્વારા ૧.રપ દાખ ઘર ખરીદનારાઓને સીધો ફાયદો થવાનું અનુમાન થઇ રહયું છે. બજેટ વધવાથી ફાયદો લેનારાઓની સંખ્યા વધશે. સ્કીમ હેઠળ લોકોને અપાતી સબસીડીની સમય મર્યાદા પણ વધી શકે છે. એટલું જ નહીં ઘર ખરીદનારાઓ માટે ઘરનો એરીયા વધારવાની મંજુરી પણ આપી શકાય છે.

ર૦૨૨ સુધીમાં દરેક કુટુંબને ઘર આપવાનું લક્ષ્ય

હાઉસીંગ ફોર ઓલ યોજના હેઠળ દેશભરમાં બધા પરિવારોને ૨૦૨૨ સુધીમાં પાકુ મકાન આપવાનું લક્ષ્ય છે. આ યોજના હેઠળ દેશભરમાં લગભગ ચાર કરોડ નવા ઘરો બનશે, પણ અત્યાર સુધી યોજના પોતાના લક્ષ્યથી બહુ પાછળ ચાલી રહી છે જેનું મુખ્ય કારણ રાજ્યોનો ટેકો નથી મળતો.(૧.૭)

(11:33 am IST)