Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માફી શબ્દનો ત્રણ વાર ઉપયોગ કર્યો

સંસદમાં મોદીને ઘેરવા કોંગ્રેસનો નવો વ્યૂહ : હવે જોવાની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કટાક્ષની નવી રણનીતિ પર રાહુલ ગાંધીને કેવી રીતે જવાબ આપશે

નવી દિલ્હી , તા.૭ : કોંગ્રેસે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવા માટે એક નવો શબ્દબાણ તૈયાર કરી રાખ્યો છે. લોકસભામાં મંગળવારે કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધીએ આ શબ્દબાણનો અનેક વાર ઉપયોગ કર્યો. બે મિનિટમાં તેમણે ત્રણ વાર આ એક શબ્દનો ઉપયોગ કર્યો. ચોક્કસપણે તેઓ આ શબ્દનો અવારનવાર ઉપયોગ કરીને સત્તાધારી પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સરકારે ૩ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી અને પછી સંસદમાં તેને પાછા પણ લઈ લીધા. કોંગ્રેસે ખેડૂતોના મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી જ્યારે લોકસભામાં ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર અને નોકરીની માંગના મુદ્દા પર બોલવા ઉભા થયા તો તેમણે શરુઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો સાથે કરી.

         રાહુલ ગાંધીએ કહ્યું કે, જેમ કે આખો દેશ જાણે છે કે ખેડૂત આંદોલનમાં લગભગ ૭૦૦ ખેડૂતો શહીદ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દેશના ખેડૂતોની માફી માગી છે. તેમણે સ્વીકાર કર્યો છે કે તેમનાથી ભૂલ થઈ છે. રાહુલ ગાંધીએ બે મિનિટના સંબોધનમાં ત્રણ વાર માફીનો ઉલ્લેખ કર્યો. હવે જોવાની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કટાક્ષની નવી રણનીતિ પર રાહુલ ગાંધીને કેવી રીતે જવાબ આપશે. શૂન્યકાળ દરમિયાન રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલે કહ્યું કે, ૩૦મી નવેમ્બરના રોજ કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યુ હતું કે ખેડૂત આંદોલનમાં કેટલા ખેડૂત શહીદ થયા, તેમણે કહ્યું કે અમારી પાસે કોઈ ડેટા નથી. અમને જાણકારી મળી છે કે પંજાબ સરકારે લગભગ ૪૦૦ ખેડૂતોને પાંચ લાખ રુપિયા વળતર આપ્યું છે. આ સિવાય ૧૫૨ ખેડૂતોને રોજગાર આપ્યો છે. આ લિસ્ટ મારી પાસે છે. અમે વધુ એક યાદી તૈયાર કરી છે, જે હરિયાણાના ૭૦ ખેડૂતોની છે.

(12:00 am IST)