Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

દેશમાંથી થતી કુલ નિકાસના હિસ્સામાં મહારાષ્ટ્ર મોખરે : ગુજરાત બીજાક્રમે

કુલ છ રાજ્યોમાંથી કુલ 75 નિકાસ હિસ્સો : મહારાષ્ટ્ર 22,3 ટકા સાથે પ્રથમ : ગુજરાતનો હિસ્સો 17,2 ટકા

નવી દિલ્હી : દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાત દેશમાં બીજાક્રમે છે. પહેલા સ્થાને ૨૨.૩ ટકા સાથે મહારાષ્ટ્ર આવે છે. ગુજરાતનો હિસ્સો ૧૭.૨ ટકા છે. દેશના કુલ છ રાજ્યો એવાં છે કે જ્યાંથી વિવિધ પ્રોડક્ટ્સ ૭૫ ટકા અન્ય દેશોમાં નિકાસ થાય છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રને બાદ કરતાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતનો નિકાસ હિસ્સો વધારે છે. વાયબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સપોર્ટ પર વધારે ભાર મૂકવાના કારણે આ સ્થિતિ આવી છે. દેશમાં ૧૨.૭ ટકા નિકાસ હિસ્સા સાથે સાથે કર્ણાટક રાજ્યનો ત્રીજોક્રમ આવે છે જ્યારે ચોથાક્રમે રહેલા તામિલનાડુનો હિસ્સો ૧૧.૫ ટકા છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી નિકાસ થવામાં જે વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે. દેશમાંથી પણ કોટન, મિનરલ ફ્યુઅલ, કેમિકલ્સ, આયર્ન, સ્ટીલ, ક્લોથિંગ, મશીનરી, જેમ્સ અને અન્ય ચીજવસ્તુઓની નિકાસ થતી હોય છે.દેશમાંથી નિકાસ કરતાં અન્ય રાજ્યો પૈકી તેલંગાણા ૬.૪૦ ટકા, હરિયાણા ૪.૯૦ ટકા, ઉત્તર પ્રદેશ ૪.૮૦ ટકા, પશ્ચિમબંગાળ ૩.૨૦ ટકા, આંધ્રપ્રદેશ ૨.૮૦ ટકા હિસ્સો ધરાવે છે. આ રાજ્યો પછી દસમાક્રમે ગોવા આવે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, પંજાબ, કેરાલા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે પરંતુ આ રાજ્યોમાં નિકાસ હિસ્સો ઘણો ઓછી માત્રામાં જોવા મળ્યો છે.

(6:21 pm IST)