Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ભારે બરફવર્ષાએ સરહદ ઉપર ભયાનક તબાહી મચાવી : અનેક સ્થળોએ તારબંધી તૂટી ગઈઃ ભયાનક ઠંડીમાં જમ્મુ અને કાશ્મીર ઠુઠવાઈ ગયુ છે : સંખ્યાબંધ રાજમાર્ગો બંધ

કાશ્મીરના પહાડો ઉપર જબરદસ્ત હિમવર્ષા થઈ રહી છે. લાઈન ઓફ કન્ટ્રોલના વિસ્તારોમાં ભયાનક ખાનાખરાબી સર્જાઈ છે. લશ્કરી મથકો અને સૈનિકો શિકાર બની રહ્યા છે. ઘુસણખોરોને રોકવા માટે લગાવવામાં આવેલ તારની વાડ અનેક જગ્યાએ તૂટી પડી છે. દર વર્ષે આ સ્થિતિ સર્જાઈ છે. કેટલા કિલોમીટરમાં તારબંધી તૂટી ગઈ છે તેનો અંદાજ લગાવી શકાતો નથી કારણ કે ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા હજુ પણ રોકાઈ નથી અને જવાનો ત્યાં પહોંચી શકતા નથી. આતંકવાદીઓ આવા ભયાનક સંજોગોમાં પણ ઘુસણખોરી કરવા પ્રયાસ કરી રહ્યા છે. પુંચ અને શોપોરને જોડનાર મોગલ રોડ ભારે હિમવર્ષાને કારણે મંગળવારથી બંધ છે તો લેહને જોડનારો રસ્તો પણ બરફ વર્ષાને કારણે બંધ કરી દેવાયો છે. હવામાન ખાતાએ આજે અને આવતીકાલે જમ્મુ વિભાગના મોગલ રોડ અને લેહમાં જોજીલા પાસને અચોક્કસ રીતે બંધ રાખવાની જાહેરાત કરી છે. શ્રીનગરમાં ૪.૬ ડિગ્રી જેવું અને જમ્મુમાં ૧૨.૨ ડિગ્રી જેવું ઉષ્ણાતામાન નોંધાયુ છે. જયારે કટરામાં ઓછામાં ઓછું ૧૨.૨ ડિગ્રી અને કારગીલમાં માઈનસ ૪.૬ ડિગ્રી સેલ્શીયસ ઠંડી નોંધાયેલ છે.

(5:44 pm IST)