Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

માઉન્ટ એવરેસ્ટનું કદ વધ્યું : નેપાળના સર્વેમાં નવી ઊંચાઈ 8,848.86 મીટર

અગાઉ કરાયેલા સર્વેક્ષણની તુલનાએ 86 સેન્ટિમીટર વધુ

કાઠમાંડૂ: નેપાળ અને ચીને વિશ્વના સૌથી ઊંચા પર્વત એવા માઉન્ટ એવરેસ્ટની નવી સત્તાવાર ઉંચાઈ સંયુક્ત રીતે જાહેર કરી છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ 8,848.86 મીટર હોવાનું જણાવાયું છે. નેપાળ સરકારે એવરેસ્ટની સચોટ ઊંચાઈ માપવાનો નિર્ણય કર્યો હતો. એવરેસ્ટની ઊંચાઈને લઈને છેલ્લા ઘણા વર્ષોથી માંગ ઉઠી હતી અને ચર્ચા થઈ રહી હતી.

એક અંદાજ મુજબ 2015માં આવેલા વિનાશક ભૂકંપ તેમજ અન્ય કુદરતી કારણોસર એવરેસ્ટની ઊંચાઈમાં આંશિક બદલાવ આવ્યો હતો. વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાલવીએ જણાવ્યું કે નેપાળે એવરેસ્ટની ઊંચાઈ 8,848.86 મીટર હોવાનું માપ્યું છે. નવી ઊંચાઈ અગાઉ કરાયેલા સર્વેક્ષણની તુલનાએ 86 સેન્ટિમીટર વધુ છે. ભારત સર્વેક્ષણ દ્વારા 1954માં કરાયેલી માપણી વખતે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 1847માં 8,778 મીટર માપવામાં આવી હતી પરંતુ 2020માં નેપાળ અને ચીને સંયુક્ત પ્રયાસ કરીને નવી સંશોધીત ઊંચાઈનું આકલન કર્યું છે.

નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલી અને તેમના ચીનના સમકક્ષ વાંગ યીએ એક કાર્યક્રમ દરમિયાન કાઠમાંડુ અને બેઈજિંગમાં એક સાથે સત્તાવાર રીતે માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈની જાહેરાત કરી હતી. નેપાળના વિદેશ મંત્રીએ કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે. માઉન્ટ એવરેસ્ટની નવી ઊંચાઈ 8,848.86 મીટર છે. નેપાળ દ્વારા 2011થી એવરેસ્ટની ઊંચાઈ માપવાનું કામ ચાલી રહ્યું હતું. નેપાળના સર્વેક્ષણ વિભાગ સચોટ માપ સેન્ટિમીટરમાં છે.

(5:08 pm IST)