Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ, નિફ્ટી બંને નવા વિક્રમી સ્તરે

ટોચની કંપનીઓના શેરોમાં મજબૂતીની અસર : સેન્સેક્સ ૧૮૨ પોઈન્ટ ઊછળીને ૪૫,૬૦૮, નિફ્ટી ૩૭ પોઈન્ટ ઊછળી ૧૩,૩૯૩ની વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા

મુંબઈ, તા. ૮ : બીએસઈમાં તેજીનો સિલસિલો મંગળવારે સતત ચોથા ટ્રેડિંગ સેશન માટે ચાલુ રહ્યો અને સેન્સેક્સ ૧૮૨ પોઇન્ટના વધારા સાથે સર્વકાલિન ઉચ્ચ સ્તરે બંધ રહ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને ઈન્ફોસિસ જેવી કંપનીઓના શેરમાં વધારો અને વિદેશી ફંડ્સના સતત પ્રવાહથી બજારના સેન્ટિમેન્ટમાં મજબૂતી આવી હતી. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ દિવસના કારોબાર દરમિયાન ૪૫,૭૪૨.૨૩ પોઇન્ટની ઓલ-ટાઇમ ઉચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ પાછળથી ૧૮૧.૫૪ પોઇન્ટ અથવા ૦.૪૦ ટકા વધીને ૪૫,૬૦૮.૫૧ પોઇન્ટના નવા રેકોર્ડ પર બંધ થયો છે.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં પણ તેજીનો સિલસિલો જારી  રાખ્યો. નિફ્ટી પણ ૩૭.૨૦ પોઇન્ટ અથવા ૦.૨૮ ટકા વધીને ૧૩,૩૯૨.૯૫ પોઇન્ટની નવી ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. દિવસના કારોબાર દરમિયાન, તે વધીને ૧૩,૪૩૫.૪૫ પોઇન્ટની ઓલ-ટાઇમ ઉચ્ચતમ સપાટી સુધી ગયો હતો. સેન્સેક્સ કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર લગભગ ત્રણ ટકા વધ્યો હતો. ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક, ઇન્ફોસીસ અને કોટક બેંકના શેરો પણ વધ્યા છે. બીજી તરફ સન ફાર્મા, ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, ટેક મહિન્દ્રા, ઓએનજીસી અને એશિયન પેઇન્ટ્સના શેરોમાં ઘટાડો થયો છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી-હેડ વિનોદ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં નબળા વલણ હોવા છતાં સ્થાનિક બજારો લાભ સાથે બંધ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય અને આઈટી કંપનીઓ સાથે મળીને આજે બજારને ટેકો આપ્યો હતો. ફાર્મા અને મેટલ કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગનો ટ્રેન્ડ હતો. વિશ્લેષકો કહે છે કે વિદેશી ભંડોળના સતત પ્રવાહ દ્વારા પણ બજારને ટેકો છે. શેર બજારોના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ સોમવારે ૩,૭૯૨.૦૬ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. અન્ય એશિયન બજારોમાં ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગની હેંગસેંગ, દક્ષિણ કોરિયાની કોસ્પી અને જાપાનની નિક્કીમાં ગિરાવટ જોવા મળી હતી. યુરોપિયન બજારોમાં પણ શરૂઆતના વેપારમાં નુકસાન જોવા મળ્યું હતું. દરમિયાન, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો ૦.૩૫ ટકા ઘટીને ૪૮.૬૨ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(8:46 pm IST)