Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

જાન તૈયાર- વરરાજા ઘોડા ઉપર ચડે ત્યાં જ પોલીસ ત્રાટકીઃ રેપના આરોપસર કરી ધરપકડ

લગ્નના દિવસે જ વરરાજા જેલમાં

બુલંદશહર, તા.૮: જાનૈયાઓ સજી ધજીને તૈયાર હતા. લગ્નો માહોલ પૂરજોશમાં જામ્યો હતો. બેંડબાજા વાળા દિલવાલે દુલ્હનીયાની ધૂન વગાડી રહ્યા હતા. બાળકો અને યુવાનો મસ્તીમાં નાચી રહ્યા હતા. આ બધા વચ્ચે માથે સહેરો બાંધીને વરરાજા ઘોડા પર બેસવા જઈ રહ્યા હતા બસ એટલામાં જ એવી ઘટના બની કે હાજર તમામ લોકો હતપ્રભ થઈ ગયા હતા. તેમાં પણ ખાસ કરીને વરરાજા જે છોકરી સાથે લગ્ન કરવાના હતા તે યુવતિ અને યુવતિના પરિવાર માટે આ ઘટના ખૂબ જ આંચકાજનક હતી. બન્યું એવું કે જાનૈયામાં કેટલાક બોલાવ્યા વગરના મહેમાન આવી પહોંચ્યા હતા અને આ મહેમાન બીજુ કોઈ નહીં પણ પોલીસ હતી. જે વરરાજાને દુષ્કર્મના આરોપમાં પકડવા આવી હતી.

આ ઘટના યુપીના બુલંદશહરની છે. જયાં લગ્નના દિવસે બળાત્કારના આરોપમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આરોપ છે કે બળાત્કાર બાદ પીડિતા પાંચ મહિનાની ગર્ભવતી બની ગઈ છે. વરરાજા બરાબર દ્યોડા પર ચઢે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ યુવક પર આરોપ છે કે લગ્ન કરવાનો ખોટો વાયદો આપી છેતરપિંડી આચરી યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતો. કેટલાય સમય સુધી યુવકે આ રીતે યુવતીનો લાભ લીધા બાદ યુવતીને તરછોડી દીધી હતી. હાલ પીડિતા પાંચ મહિનાની ગર્ભવતી બની છે. પીડિતાની ફરિયાદ આધારે બુલંદશહર પોલીસે બરાબર દ્યોડે ચડે તે પહેલાં જ વરરાજાની ધરપકડ કરી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરી રહી છે. પીડિતાની હાલત ગંભીર હોવાથી તેને ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવી છે. આ ઘટના બુલંદશહરના ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. આરોપી રાહુલ સોમવારે જાન સાથે બુલંદશહરના તાતારપુર જઈ રહ્યો હતો.

પીડિતાની બહેનના કહેવા મુજબ તેમના જ ગામમાં રહેતા આ યુવક રાહુલે તેની બહેનને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે ન કરવાનું કર્યું હતું. ત્યારબાદ લગ્નનો વાયદો આપીને છેલ્લા કેટલાય મહિનાઓથી તેની સાથે દુરાચાર કરી રહ્યો હતો. આરોપ છે કે આ દરમિયાન પીડિતા પાંચ મહિનાની ગર્ભવતી બની ગઈ હતી. જે બાદ આરોપી રાહુલે પોતાના લગ્ન પહેલા પીડિતા કોઈ વ્યવધાન ન બને તે માટે ગર્ભપાતની દવા ખવડાવી દીધી હતી જોકે તેનાથી સમસ્યા વકરતા પીડિતાની હાલત ગંભીર બની ગઈ હતી.પીડિત પરિવારે પીડિતાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી, જયાંથી તેને મેરઠ રિફર કરવામાં આવી છે. પોલીસે પીડિતાના કાકાની લેખીત ફરિયાદના આધારે રાહુલ વિરુદ્ઘ કેસ નોંધ્યો છે. ત્યારબાદ રાહુલ ઘોડે ચડે તે પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતાની હાલત હજુ પણ ચિંતાજનક છે. એસએસપી સંતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે, આરોપી રાહુલની પીડિતાના કાકા દ્વારા કરવામાં આવેલ લેખીત ફરિયાદના આધારે કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.

(3:30 pm IST)