Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ચીનને ખદેડવા ૬-૭ જગ્યાએ કબ્જાની કેન્દ્રએ આપી'તી લીલીઝંડી

મે મહિનામાં જ રાજકીય નેતૃત્વએ એલએસીથી આગળ ૬ થી ૭ જગ્યાએ કબ્જો જમાવવાની મંજુરી આપી હતીઃ જે પછી સ્થિતિ મજબુત બની હતી : સેનાએ આ કબ્જો જમાવતા જ ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતીઃ રાજકીય નિર્દેશ બાદ આર્મીએ સમગ્ર પ્લાન ઘડયો હતો

નવી દિલ્હી, તા. ૮ :. સીમા વિવાદને લઈને ભારતના આકરા વલણ બાદ ચીન ઝુકવા મજબૂર બન્યુ અને તેણે પોતાના સૈનિકોની પીછેહઠ કરવી પડી. ચીની સૈનિકોને ખદેડવાની પાછળનું મોટુ કારણ સરકાર તરફથી મળી હતી લીલી ઝંડી, સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગતિરોધ વચ્ચે મે મહિનામા રાજકીય વર્તુળો તરફથી સેનાને  વાસ્તવિક નિયંત્રણ રેખા ૬ થી ૭ જગ્યાની ઓળખ કરી કબ્જો જમાવવાનો આદેશ મળ્યો હતો. રીપોર્ટ અનુસાર આ નિર્દેશો બાદ સેનાએ યોજના બનાવી અને ઓગષ્ટના અંતમાં ચીની સૈનિકોને પછાડીને મુખપરી, રેજાંગ લા અને ગુરંગ હીલ અને સબ સેકટરમાં પેંગોંગ ત્સોના દક્ષિણ કિનારાના ક્ષેત્રો પર કબ્જો કર્યો હતો.

અધિકારીએ કહ્યુ હતુ કે રાજકીય નેતૃત્વએ મે મા જ એ ૬ થી ૭ જગ્યાઓની ઓળખ કરવાના આદેશો આપ્યા હતા જ્યાં આપણે જઈ શકતા હતા. આ પોસ્ટની મહત્વતા અંગે માહિતી આપતા અધિકારીએ કહ્યુ હતુ કે આમાથી અનેક એલએસીથી આગળ છે. અધિકારીએ કહ્યુ હતુ કે તેણે ભારતને ચીન સાથે વાત કરવા માટે કંઈક કર્યુ છે.

રીપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યુ છે કે ભારત ચીન સાથે ૯મા તબક્કાની વાતચીત કરવાની રાહ જુએ છે. ૬ નવેમ્બરે બન્ને દેશો વચ્ચે ૮મા દૌરની વાત થઈ હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે ચીને પહેલા પેંગોંગ ત્સોના ઉત્તર ભાગ પર ફીંગર-૪થી ફીંગર-૮ સુધી પોતાના સૈનિકોને હટાવવા ઈચ્છા વ્યકત કરી હતી પરંતુ હવે તે આવુ કરવા નથી માંગતો. એવુ લાગે છે કે તેનુ નેતૃત્વ આ બાબતને લઈને રાજી નથી.

અધિકારીએ કહ્યુ હતુ કે ચીન સપ્ટેમ્બરથી માંગણી કરે છે કે ભારતીય સૈનિકોએ ચુસુલ સબ સેકટર અને પેંગોંગ ત્સોના દક્ષિણ વિસ્તારની ટોચ પરથી પાછુ ચાલ્યુ જવુ જોઈએ. અધિકારીએ કહ્યુ હતુ કે ચીન ઈચ્છે છે કે આપણે દક્ષિણથી પાછા ચાલ્યા જઈએ. અમે ચીનને કહ્યુ હતુ કે સમાધાન થવુ જોઈએ કે જેથી બધી જગ્યા પરની ચર્ચા થાય. દક્ષિણમાંથી પીછેહઠનો સવાલ જ નથી.

(11:40 am IST)