Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

નીરવ મોદીને ફટકો : સંપત્તિ વેચી દેવાય તેવા સ્પષ્ટ સંકેતો

નીરવ મોદીને ભાગેડુ જાહેર કરાયા બાદ કાર્યવાહી : નીરવ મોદીની ૨૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને તેની હરાજી કરવા માટેની કોર્ટમાં અરજી : ટૂંકમાં સુનાવણી

નવી દિલ્હી, તા. ૮ : પંજાબ નેશનલ બેંકને ૧૩ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી નીરવ મોદીને ખાસ અદાલત દ્વારા અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ તેની સંપતિની હરાજી કરવામાં આવી શકે છે. કાલાઘોડા અને વર્લીમાં તેની બે મોટી સંપત્તિઓ આવેલી છે. નીરવને અપરાધી જાહેર કરનાર ખાસ અદાલતે ઈડીની એવી અરજી પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. જેમાં નીરવ મોદીની ૨૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરીને તેની હરાજી કરવા માટે અપીલ કરવામાં આવી છે. સંપત્તિ જપ્ત કરવામાં આવ્યા બાદ આ સંપત્તિઓ પર સરકારનો અધિકાર થઈ જશે. હરાજીથી મળનાર રકમનો ઉપયોગ બેંકોને થયેલા નુકસાનની ભરપાઈ માટે કરવામાં આવનાર છે. નીરવ મોદી તેના મામા મહેલુ ચોકસી અને અન્ય કેટલાક લોકો પર પીએનબીને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવવાનો આરોપ મુકવામાં આવ્યો છે. નીરવ મોદીની સામે જુદા જુદા કાનુન લાગુ કરવામાં આવ્યા છે. કારણ કે તે ગયા વર્ષે પહેલી જાન્યુઆરીના દિવસે દેશ છોડીને ફરાર થઈ ગયો હતો. તેના ઉપર ગંભીર પ્રકારના આરોપો રહેલા છે. નીરવ મોદી ભારતથી ફરાર થયા બાદ પરત ફરવા ઈન્કાર કરી રહ્યો છે. નીરવ મોદીની આ વર્ષે માર્ચ મહિનામાં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી લઈને તે હજુ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી  છે. વિજય માલ્યા બાદ નીરવ મોદી બીજા એવા અપરાધિ છે જેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરાયા છે. હાલમાં નીરવ મોદીને એક પછી એક ફટકા પડી રહ્યા છે. લંડનમાં નીરવ મોદીની કસ્ટડી બીજી જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

         બીજી તરફ મુંબઈ હાઈકોર્ટે મેહુલ ચોકસીની એવી અરજીને ફગાવી દીધી છે. જેમાં તેની સામે ખાસ કોર્ટમાં કાર્યવાહી જારી છે. તપાસ સંસ્થાઓના કહેવા મુજબ નીરવ મોદી અને તેના મામા ચોકસીએ કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને કથિત રીતે પંજાબ નેશનલ બેંક સાથે છેતરપીડી કરી હતી. સાથે સાથે ગેરન્ટી પત્ર જારી કરીને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવી દીધો હતો. આ ગેરન્ટી પત્ર માર્ચ ૨૦૧૧થી મુંબઈની પીએનબીની એક શાખા બેંકથી છેતરપીડી કરવા મોદી સાથે જોડાયેલી કંપનીઓના ગ્રુપ સાથે તરફેણ કરવામાં આવી હતી. આ ગેરન્ટી પત્રો એ વખતે જારી કરવામાં આવ્યા હતા. જ્યાં આ મામલો સપાટી પર આવ્યો ન હતો. ગેરન્ટી પત્રો સતત જારી થવાના કારણે બેંકને ભારે નુકસાન થયું હતું. માર્ચ મહિનામાં નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી લઈને તે હજુ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેને ભારત લાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં હજુ સુધી સફળતા મળી નથી. આવનાર દિવસોમાં નીરવની મુશ્કેલી વધશે.

(7:51 pm IST)