Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દિલ્હી રેલવે સ્ટેશન નજીક મહિલા પર એસિડ હુમલો

મહિલાઓ સામે વધતા અપરાધ વચ્ચે ઘટના : હૈદરાબાદ-ઉન્નાવ ગેંગરેપની ઘટનાના આઘાતમાંથી લોકો બહાર નિકળે તે પહેલા વધુ એક ચકચારી ઘટના સપાટીએ

નવીદિલ્હી, તા. ૭ : દેશમાં મહિલાઓની સામે અપરાધો સતત વધી રહ્યા છે. હૈદરાબાદમાં મહિલા તબીબની સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા અને હવે ઉન્નાવ ગેંગરેપ પીડિતાની સાથે બળાત્કાર બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટનાથી લોકો બહાર આવ્યા નથી ત્યાં જ દિલ્હીમાં એક મહિલા પર કેમિકલ ફેંકવાની ચોંકાવનારી ઘટના સપાટી ઉપર આવી છે. આ ઘટના નવીદિલ્હી રેલવે સ્ટેશન પર બની હોવાના અહેવાલ મળ્યા છે. મહિલા પર કયા પ્રકારના કેમિકલ ફેંકવામાં આવ્યા છે તે અંગે હજુ માહિતી મળી શકી નથી પરંતુ આ ઘટનાને નવી દિલ્હી રેલવે સ્ટેશનના અજમેરી ગેટની નજીક અંજામ આપવામાં આવી હતી. તેલંગાણાની નિવાસી પીડિતા પોતાના પતિથી અલગ રહે છે તેનો એક પુત્ર પણ છે. છેલ્લા છ મહિનાથી તે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના એક વ્યક્તિની સાથે રહેતી હતી. આ શખ્સ પર મહિલા પર કેમિકલ ફેંકવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

         મહિલાને પહેલા એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાંથી તેને હવે ગુરુનાનક દેવ આઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવના અપરાધીની શોધખોળ ચાલી રહી છે. એસિડ ફેંકીને તે ફરાર થઇ ચુક્યો છે. હાલમાં જ એક પછી એક ખુબ જ કમકમાટીભરી ઘટનાઓ સપાટી ઉપર આવી છે જેના આઘાતમાંથી લોકો બહાર નિકળી શક્યા નથી. સૌથી પહેલા હૈદરાબાદમાં ગેંગરેપ અને ત્યારબાદ યુવતીની સળગાવી દઇને હત્યા અને હવે ઉન્નાવમાં જે પ્રકારની ઘટના બની તેને લઇને લોકો આક્રોશિત અને નારાજ છે ત્યારે દિલ્હીમાં મહિલા પર કેમિકલ ફેંકવાની ઘટના સપાટી ઉપર આવી છે. મહિલાની તબિયતને લઇને માહિતી મળી શકી નથી. તેલંગાણાની નિવાસી પીડિતા પોતાના પતિથી અલગ રહેતી હતી. આ મામલામાં પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે.

(12:00 am IST)