Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ડ્રગ્‍સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યનના કેસની સુનાવણીમાં ચુકાદો આવે તે પહેલા એનસીબી ટીમ આર્થર રોડ જેલમાં લઇ ગઇ

કાયદાની દ્રષ્‍ટિએ આ એકદમ યોગ્‍ય પગલુ હોવાની ચર્ચા

મુંબઇઃ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ભાગ્યનો ફેંસલો થાય તે પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે બપોરે તેને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ બાદ આર્થર રોડ જેલમાં લઈ ગઈ. હજુ તો આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સાંભળવામાં તમને અજીબ લાગે પણ કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ એકદમ યોગ્ય પગલું છે.

જામીન અરજીનો ફેંસલો આવે તે પહેલા જ એનસીબી આર્યન ખાનને જેલમાં લઈ ગઈ. કાયદાની દ્રષ્ટિએ જુઓ તો તે બરાબર છે કારણ કે આર્યન  ખાન સહિત તમામ 8 આરોપીઓને ગુરુવારે સાંજે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આવામાં આર્યન અને બાકીના આરોપીઓએ તો ગુરુવારે જ જેલમાં જવાનું હતું પરંતુ ઓર્ડર આવતા આવતા સાંજે સાત વાગી ગયા હતા. જેલ પ્રશાસને તેમને એમ કહીને અંદર લેવાની ના પાડી હતી કે તેમની પાસે આરોપીઓનો કોવિડ નેગેટિવ રિપોર્ટ નથી.

આવામાં તમામ આઠ આરોપીઓને એનસીબીની લોકઅપમાં ગુરુવારે રાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. આ દરમિયાન લોકઅપમાં કોઈ પણ એનસીબી અધિકારી તેમની પૂછપરછ કરી શકતો નહતો. હવે કાયદાકીય રીતે શુક્રવારે સવારે જેલના દરવાજા ખુલતા જ આ આરોપીઓને જેલને સોંપવાના હતા. આવામાં આર્યન સહિત તમામ 8 આરોપીઓને હવે મેડિકલ તપાસ માટે લઈ જવાયા. રિપોર્ટ આવ્યા બાદ 8માંથી 6 પુરુષ આરોપીઓને આર્થર રોડ જેલમાં લઈ જવાશે જેમાં આર્યન ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે મહિલાઓને ભાયખલ્લા જેલમાં લઈ જવાશે. જો કોર્ટ આમાંથી કોઈ પણ આરોપીને જામીન આપી દેશે તો તેમને તરત જેલમાંથી છોડી મૂકવામાં આવશે.

(5:02 pm IST)