Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મહામારી દરમિયાન બચતનું અનોખું સાધન મ્યુચ્યલ ફંડ : પહેલી લહેર દરમિયાન ૭૨ ટકા લોકોની પસંદગી

 

નવી દિલ્હી તા. ૮ : ઉંચા રિટર્નના કારણે મ્યુચ્યુઅલ ફંડ મહામારીમાં પણ રોકાણનું સૌથી આકર્ષક સાધન બની રહ્યું છે. ત્યાર પછી લોકોની પસંદગી ઇકવીટી છે. નાણાકીય સલાહકાર કંપની ફિનડોક ગ્રુપના સર્વે અનુસાર, લગભગ ૭૨ ટકા લોકોએ મહામારીની પહેલી લહેર દરમિયાન રોકાણ માટે મ્યુચ્યલ ફંડનો વિકલ્પ પસંદ કર્યો હતો.

આ સર્વે ગ્રુપના ૧૦૦૦૦થી વધારે વર્તમાન ગ્રાહકો સાથેની વાતચીત પર આધારિત છે. તેમાંથી લગભગ ૬૩ ટકા લોકોએ આ ફંડોમાં રોકાણ કરવાના પોતાના નિર્ણય પર ખુશી વ્યકત કરી છે. સર્વેમાં સામેલ ઉત્તરદાતાઓએ જણાવ્યું કે, તેમણે રોકાણ માટેના જે સાધનો પસંદ કર્યા છે તેમાં મ્યુચ્યલ ફંડ પછી ઇકવીટી સૌથી સારો વિકલ્પ છે. ફિનડોક ગ્રુપના એમડી હેમંત સૂદે કહ્યું કે, સર્વેના આંકડાઓ દર્શાવે છે કે, ઇકવીટી પછી મ્યુચ્યલ ફંડ રોકાણનું સૌથી પસંદગીનું સાધન રહ્યું છે. સારા રિટર્નના કારણે તેમાં ભવિષ્યમાં પણ તેજી આવવાની શકયતા છે.

સેબીના પૂર્ણકાલિન સભ્ય એસ કે મોહંતીએ ગુરૂવારે કહ્યું કે, શેરોમાં રીટેઇલ રોકાણકારોની દિલચશ્પી વધવાની સાથે સાથે છેતરપિંડી પણ વધી છે. તેમાં ઘટાડો લાવવાના પ્રયત્નો કરવાની જરૂર છે.

એક સર્વેનો હવાલો આપતા તેમણે કહ્યું કે, ૬૫ ટકા કંપનીઓએ આ વર્ષે છેતરપિંડીની જાણ કરી છે. આનું મુખ્ય કારણ સંવેદનશીલ માહિતી સુધી અનધિકૃત લોકોની પહોંચ છે. આને રોકવા માટે સેબીએ ગયા વર્ષે એક અલગ કોર્પોરેટ છેતરપિંડી તપાસ વિભાગ બનાવ્યો છે.

(10:00 am IST)