Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

હોંગકોંગની કાયદો-વ્યવસ્થા પડી ભાંગીઃ સ્થિતિ અતી ગંભીર

બે દેખાવકારો સામે માસ્ક પહેરવા કેસ કરી ધરપકડ થઇ : કોર્ટે જામીન પર છોડી મુકયાઃ હજારો લોકો આજેય રોડ ઉપર

હોંગકોંગઃ પોલીસ અને દેખાવકારોની વચ્ચે ગયા સપ્તાહમાં થયેલી હિંસક અથડામણ પછી આજે સોમવારે માસ્ક પર પ્રતિબંધના નિયમનો ભંગ કરવા બદલ બે દેખાવકારો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

માસ્ક પર પ્રતિબંધનો ભંગ કરવા બદલ આજે એક ૧૮ વર્ષના વિદ્યાર્થી અને ૩૮ વર્ષીય મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. રમખાણો કરી રહેલા દેખાવકારોની ઓળખ થઇ શકે તે માટે હોંગકોંગમાં શનિવાર સાંજથી માસ્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હોંગકોંગના ચીન સમર્થક નેતા કેરી લામે જણાવ્યું છે કે ચાર મહિનાથી ચાલતી લોકશાહી સમર્થક રેલીઓને રોકવા માટે માસ્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ પછી પણ રાજયમાં અરાજકતા ઓછી થઇ નથી.

 કોર્ટે માસ્ક પહેરનાર બંને દેખાવકારોને જામીન પર મુકત કરી દીધા છે. માસ્ક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આજે હજારો લોકોએ માસ્ક પહેરીને દેખાવો કર્યા હતાં.

પોલીસે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શહેરની કાયદો વ્યવસથા પડી ભાંગી છે અને સ્થિતિ ખૂબ જ ભયંકર બની ગઇ છે. તંગદિલીને પગલે આજે સવારથી જ દુકાનો અને જાહેર સેવાઓ બંધ હતી.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે માસ્ક પહેરવા બદલ શનિવારે ૧૪ દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી.

(1:00 pm IST)