Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

હુમલા વચ્ચે નીતિશ અને યોગીની રૂપાણી સાથે સુરક્ષા મુદ્દે વાતચીત

દરેક ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવાની ખાતરી અપાઈ : રાજ્યના દરેક જિલ્લામાં ઉત્તર ભારતીયોની સંપૂર્ણ સુરક્ષા કરવાની સરકારની જવાબદારી છે : ગુજરાત ન છોડવા માટે ઉત્તર ભારતીયોને રૂપાણીની અપીલ

નવીદિલ્હી,તા. ૮ : ગુજરાતમાં ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ઉપર વધી રહેલા હુમલા વચ્ચે સ્થિતિ ગંભીર બની ગઈ છે. ગંભીર બનેલી સ્થિતિ વચ્ચે હવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાતચીત કરી છે અને આ સંદર્ભમાં નક્કર પગલા લેવા વાત કરી છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાફ શબ્દોમાં કહ્યું છે ે, ઉત્તર ભારતીય લોકોની સુરક્ષાની જવાબદારી તેમની સરકારની બને છે. ઉત્તર ભારતીયોને પુરતી સુરક્ષા આપવામાં આવશે. આ સંદર્ભમાં કોઇપણ બાંધછોડ કરવામાં આવશે નહીં. ઉત્તર ભારતીયો પર થઇ રહેલા હુમલા વચ્ચે વતન પરત ફરી રહેલા લોકોના સંદર્ભમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. નીતિશકુમારે કહ્યું છે કે, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાથે વાતચીત કરી ચુક્યા છે. અમે તેમના સંપર્કમાં છીએ. રૂપાણી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જે લોકોએ હુમલા કર્યા છે તે લોકોને સજા મળવી જોઇએ. કોઇપણ પ્રકારના ભેદભાવ થવા જોઇએ નહીં. બીજી બાજુ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ રૂપાણી સાથે ફોન પર વાત કરી છે અને ઉત્તર ભારતીયો ઉપર હુમલા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી છે. રૂપાણીએ ખાતરી આપતા કહ્યું છે કે, છેલ્લા ત્રણ દિવસની અંદર હુમલાના કોઇ બનાવ બન્યા નથી. ગુજરાત સરકાર દરેક વ્યક્તિને સુરક્ષા આપી રહી છે. તમામ લોકોને ગુજરાતમાં સંપૂર્ણ સન્માન છે. બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાની યોગીએ પ્રશંસા કરી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા કહ્યું છે કે, મામલા પર સરકાર ખુબ જ ગંભીર છે. ધરપકડનો દોર ચાલી રહ્યો છે. હજુ સુધી ૪૫૦થી વધુની ધરપકડ કરવામાં આવી ચુકી છે. રાજ્યના ડીજીપી પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હાલમાં હુમલાના પરિણામ સ્વરુપે ગુજરાતના છ જિલ્લાઓને અસર થઇ છે. આ છ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો વતન પરત ફરી ચુક્યા છે. બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો મોટી સંખ્યામાં રાજ્યમાં કામ કરે છે. આ લોકોમાં હાલમાં દહેશત ફેલાયેલી છે. બીજી બાજુ ગુજરાતના બહારના લોકો ઉપર હિંસાના મામલામાં છ જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે જે પૈકી મહેસાણા અને સાબરકાંઠા સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહેસાણામાં ૧૫ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે હેઠળ ૮૯ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. સાબરકાંઠામાં ૧૧ કેસ દાખલ કરાયા છે અને ૯૫ લોકોની ધરપકડ કરાઈ છે. રાજ્યના ડીજીપીના કહેવા મુજબ આ બંને જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં પણ ધરપકડનો દોર ચાલી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, ૨૮મી સપ્ટેમ્બરના દિવસે એક માસુમ બાળકી પર બળાત્કારના મામલામાં બિહારના એક યુવકની ધરપકડ કરવામાં આવ્યા બાદ બિનગુજરાતી લોકો ઉપર હુમલાઓ કરાઇ રહ્યા છે.

(7:15 pm IST)