Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે વધારો

મોંઘવારી વચ્ચે લોકોની પરેશાની અકબંધ રહી : વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો જારી રહેતા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ફરીવખત ભાવ વધારો ઝીંકાયો

નવી દિલ્હી,તા. ૭ : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે રવિવારના દિવસે પણ વધારો ઝીંકી દીધો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂપિયા-ડોલરના રેટ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતના આધાર પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજના આધાર પર નિર્ણય લેવામાં આવે છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમત દરેક શહેરમાં જુદી જુદી રહે છે. કારણ કે, લોકલ ટેક્સ અને પરિવહન ખર્ચના આધાર પર એક પંપથી લઇને બીજા પંપ ઉપર તથા એક શહેરથી લઇને બીજા શહેરમાં જુદા જુદા ભાવ રહે છે. દિલ્હીમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમત મેટ્રો શહેરોમાં સૌથી સસ્તી છે. કારણ કે, અહીં ટેક્સ ખુબ નીચા રહેલા છે. સરકારે ગઇકાલે જ એવી ખાતરી આપી હતી કે તે કિંમતોને કાબૂમાં લેવા માટે તમામ પગલા લઈ રહી છે. તેલ કિંમતોને અંકુશમુક્ત કરવાના સંદર્ભમાં કોઇ નવા નિર્ણય લેવા સરકાર જઈ રહી નથી. ગુરુવારના દિવસે ૧૨ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ઘટાડો કર્યો હતો. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું.  મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા હતા. અર્થશાસ્ત્રીઓ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા હતા કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજોની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ  ચોથી ઓક્ટોબરના દિવસે જાહેરાત કર્યા બાદ તરત જ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં તેમના દ્વારા પણ ઘટાડાની શરૂઆત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું. નાણામંત્રીએ રાજ્યોને પણ આટલી જ કિંમતમાં ઘટાડો કરવા અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં તાત્કાલિક ઘટાડાનો દોર શરૂ થયો હતો. બજાર અને કરન્સી બજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે.  પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી ચિંતાતુર બનેલી સરકારે અર્થવ્યવસ્થા પર પડનાર પ્રતિકુળ અસરને રોકવા માટે વિચારણા હાથ ધરી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં અવિરત વધારાના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી હતી.પેટ્રોલ અને ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તર પર છે. કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ ડિઝલનો કરવામાં આવે છે. ટ્રેક્ટરથી લઇને પંપસેટ તમામમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલની કિંમત વધવાથી આ તમામ ઉપર સીધી અસર થાય તેમ છે. ખેડૂતો ઉપર તેની માઠી અસર થઇ શકે છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ

ડીઝલના ભાવમાં પણ ફરી વધારો

નવી દિલ્હી, તા.૭ : પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે વધીને નીચે મુજબ થઇ ગયા છે.

પેટ્રોલના ભાવ

મેટ્રો.............................................. ભાવ (લીટરમાં)

મુંબઈ....................................................... ૮૭.૨૯

દિલ્હી........................................................ ૮૧.૮૨

કોલકાતા................................................... ૮૩.૬૬

ચેન્નાઈ...................................................... ૮૫.૦૪

ડિઝલના ભાવ

મુંબઈ....................................................... ૭૭.૦૬

દિલ્હી........................................................ ૭૩.૫૩

કોલકાતા................................................... ૭૫.૩૮

ચેન્નાઈ...................................................... ૭૭.૭૩

(12:00 am IST)