Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

રેલવેએ ટ્રેન મોડી પડવાની જવાબદારી લેવી પડશેઃ મુસાફરને ૩૦૦૦૦ વળતર ચુકવવા સુપ્રીમ કોર્ટનો હુકમ

નવી દિલ્હી, તા.૮: ટ્રેનો મોડી પડવાના મામલે સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યુ છે. કોર્ટે કહ્યુ છે કે, રેલવે ટ્રેનો મોડી પડવા માટેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. જો ટ્રેન મોડી પડવાના કારણે મુસાફરને નુકસાન થયુ હોય તો રેલવેએ તેની ભરપાઈ કરવાની તૈયારી રાખવી પડશે.

કોર્ટે સાથે સાથે કહ્યુ હતુ કે, જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશને ખાનગી ટ્રાન્સપોર્ટેશન સાથે સ્પર્ધા કરવી હશે તો પોતાની સિસ્ટમમાં સુધારો કરવો જ પડશે. સાથે સાથે કોર્ટે ટ્રેન મોડી પડવાના એક મામલામાં મુસાફરને ૩૦૦૦૦ રૂપિયાનુ વળતર ચુકવવાનો હુકમ પણ કર્યો હતો.

કોર્ટે કહ્યુ હતુ કે, ટ્રેન મોડી પડવા પાછળનુ કારણ દર્શાવવામાં રેલવે નિષ્ફળ જાય તો તેણે મુસાફરોને વળતર ચુકવવુ પડશે. મુસાફરોનો સમય કિંમતી છે અને બીજી તરફ અત્યારે સ્પર્ધાનો સમય છે. દેશના લોકો રેલવેની દયા પર નિર્ભર રહી શકે નહીં. કોઈએ તો ટ્રેન મોડી પડવાની જવાબદારી લેવી પડશે.

આ કેસમાં સંજય શુકલા નામના મુસાફરે અજમેર જમ્મુ એકસપ્રેસમાં મુસાફરી કરી હતી. આ ટ્રેન સવારે ૮ વાગ્યાની જગ્યાએ બપોરે ૧૨ વાગ્યે જમ્મુ પહોંચી હતી એ સંજય શુકલાની જમ્મુથી શ્રીનગરની ફ્લાઈટ મિસ થઈ ગઈ હતી. તેમના પરિવારે ટેકસીમાં શ્રીનગર જવુ પડ્યુ હતુ અને તેના કારણે તેમને વધારાનો ખર્ચો ઉઠાવવો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં રેલવેને ૩૦૦૦૦ રૂપિયા વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

આ પહેલા સ્થાનિક ગ્રાહક કોર્ટે પણ શુકલા પરિવારની તરફેણમાં ચુકાયો આપ્યો હતો અને તેને રેલવેએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે પણ રેલવેની ઝાટકણી કાઢી છે.

(3:47 pm IST)