Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ભારતની અધ્યક્ષતા હેઠળ પાંચ દેશો આંતકવાદ વિરોધી કૃત્યોને ડામવા પરસ્પર સહયોગ કરશે

નરેન્દ્રભાઈ વર્ચ્યુઅલ માધ્યમથી કાલે ૧૩માં બ્રિકસમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હી,તા.૮: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાલે તા.૯ ના રોજ ૧૩માં બ્રિકસમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે.

વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે, ભારતની અધ્યક્ષતામાં ૭ સપ્ટેમ્બરે ત્રીજી બ્રિકસ શેરપા અને સોસ શેરપાસ બેઠક બોલાવવામાં આવી હતી.જેની અધ્યક્ષતા ભારતના બ્રિકસ શેરપા સંજય ભટ્ટાચાર્યએ કરી હતી. બ્રિકસ શેરપાઓએ ૧૩ મી બ્રિકસ સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પીએમઓના જણાવ્યા અનુસાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નવા વિકાસ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજો, બ્રિકસ બિઝનેસ કાઉન્સિલના કાર્યકારી પ્રમુખ ઓંકાર કંવર અને બ્રિકસ મહિલા બિઝનેસ એલાયન્સના કાર્યકારી અધ્યક્ષ ડો.સંગીતા રેડ્ડી આ પ્રસંગે સમિટમાં હાજર તમામ દેશોના પ્રમુખોની સમક્ષ પોતાની જવાબદારીઓ હેઠળ વર્ષ દરમિયાન થયેલા કામની વિગતો રજૂ કરશે.

આ વખતે સમિટની થીમ સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે ઇન્ટ્રા-બ્રિકસ સહયોગની છે. ભારતે તેની અધ્યક્ષતા માટે ચાર પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોની રૂપરેખા આપી હતી. જેમાં બહુપક્ષીય પ્રણાલીમાં સુધારો, આતંકવાદ વિરોધી કૃત્યોને ડામવા, વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ડિજિટલ અને ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગના આદાનપ્રદાનમાં વધારાનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ઉપરાંત, નેતાઓ કોવિડ-૧૯ રોગચાળાની અસર અને અન્ય વર્તમાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કરશે.

બ્રિકસ સંમેલનમાં મંગળવારે પાંચ દેશોના જૂથની વાર્ષિક સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટની અધ્યક્ષતા કરશે અને આ બેઠકમાં અફદ્યાનિસ્તાનના તાજેતરના વિકાસ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.બ્રિકસ વિશ્વના ૫ સૌથી મોટા વિકાસશીલ દેશોને એકસાથે લાવે છે, જે વૈશ્વિક વસ્તીના ૪૧ ટકા, વૈશ્વિક જીડીપીના ૨૪ ટકા અને વૈશ્વિક વેપારના ૧૬ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ ૨૦૨૧માં ભારત બ્રિકસની અધ્યક્ષતા કરી રહ્યું છે.જેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે.

(3:13 pm IST)