Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

એન્ટીલીયા કેસ ચાર્જશીટઃ મુકેશ અંબાણી પાસેથી પૈસા પડાવવાનો હતો પ્લાનઃ સચિન વઝેએ જ ઘરની બહાર રાખી હતી વિસ્ફોટક ભરી કાર

એનઆઈએ દ્વારા ૧૦ હજાર પાનાની ચાર્જશીટમાં સનસનીખેજ ખુલાસાઓ

મુંબઈ, તા. ૮ :. મુંબઈ પોલીસે બરતરફ પોલીસ ઓફિસર સચિન વઝે પર એનઆઈએ એ ગંભીર આરોપ લગાવ્યા છે. એનઆઈએ એ પોતાની ચાર્જશીટમા કહ્યુ છે કે ૨૫ ફેબ્રુઆરીના રોજ રીલાયન્સ સમૂહના પ્રમુખ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક રાખવા પાછળ એક મોટુ ષડયંત્ર હતું. સચિન વઝે અને તેના સાથી મુકેશ અંબાણી પાસેથી ખંડણીની મોટી રકમ વસુલવાની તૈયારીમાં હતા અને જે થયુ તે બધુ ષડયંત્રનો હિસ્સો હતું.

ચાર્જશીટમાં જણાવાયુ છે કે આ બધાનો હેતુ માત્ર એ હતો કે અમીર ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા વસુલવા. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્કોર્પીયો ગાડીમાં જીલેટીન ખુદ સચિને જ રાખી હતી અને તે જ ગાડીને ડ્રાઈવ કરી રહ્યો હતો. તેણે જ એ ગાડીમાં ધમકી ભર્યો પત્ર પણ રાખ્યો હતો કે જે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સંબોધીત હતો.

એન્ટીલીયા મામલામાં સચિન વઝે અને અન્યોની વિરૂદ્ધ ૧૦ હજાર પાનાની ચાર્જશીટમાં લખવામાં આવ્યુ છે કે પોલીસ મહેકમ સાથે જોડાયેલ સચિન, પ્રદીપ શર્મા અને સુનીલ માને ત્રાસવાદી ગેંગના સભ્યો હતો કારણ કે તેઓએ પોતાના કૃત્યથી ટેરર ફેલાવવાનું કાર્ય કર્યુ હતું. એનઆઈએ દ્વારા આ બધા પર યુએપીએ લગાડવામાં આવેલ છે જે ત્રાસવાદી પ્રવૃતિ માટે છે.  ચાર્જશીટમાં એવુ જણાવાયુ છે કે આવુ કરી વઝે અંબાણી પાસેથી પૈસા મેળવવા માંગતા હતા અને પોતાનો દબદબો જાળવવા માંગતા હતા.

(11:07 am IST)