Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

મહિલાઓ સામેના ગુનાની ફરિયાદમાં ૪૬ ટકાનો ચિંતાજનક વધારો

૨૦૨૧માં મહિલા સામેના ગુનાની ફરિયાદો ૪૬% વધી : સૌથી વધુ ૫૦ ટકાથી વધુ ફરિયાદ ઉત્ત્।રપ્રદેશમાં નોંધાઈ : દિલ્હી બીજા ક્રમે

નવી દિલ્હી,તા.૮:  ચાલુ વર્ષના પ્રથમ આઠ મહિનામાં મહિલાઓ સામેના ગુનાની ફરિયાદોમાં ૪૬ ટકા વધારો નોંધાયો છે. જેમાં ૫૦ ટકા હિસ્સો ઉત્ત્।ર પ્રદેશનો છે એવી માહિતી નેશનલ કમિશન ફોર વિમેન (NCW)એ આપી છે. NCWના વડા રેખા શર્માએ જણાવ્યું હતું કે, કમિશન નિયમિત રીતે જાગૃતિ અભિયાન ચલાવતું હોવાથી ફરિયાદોની સંખ્યા વધી છે. લોકો હવે કમિશનના કામ અંગે વધુ જાગૃત બન્યા છે.

NCWને ૨૦૨૧માં જાન્યુઆરીથી ઓગસ્ટના ગાળામાં મહિલાઓ સામે ગુનાની ૧૯,૯૫૩ ફરિયાદ મળી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૧૩,૬૧૮ હતી. જુલાઇમાં NCWને ૩,૨૪૮ ફરિયાદ મળી હતી, જે જૂન ૨૦૧૫ પછી એક મહિનામાં મળેલી સૌથી વધુ ફરિયાદ છે. કુલ ૧૯,૯૫૩ ફરિયાદમાંથી ૭,૦૩૬ ફરિયાદ 'સ્વમાન સાથે જીવવાના હક'હેઠળ નોંધાઈ છે. ઘરેલૂ હિંસા ૪,૨૮૯ ફરિયાદ સાથે બીજા ક્રમે છે. જયારે પરિણિત મહિલાઓને ત્રાસ અથવા દહેજ અંગે ૨,૯૨૩ ફરિયાદ નોંધાઈ છે.

સ્વમાન સાથે જીવવાના અધિકારની જોગવાઇમાં મહિલાઓ સાથે કરાતા ભાવનાત્મક દુર્વ્યવહારનો સમાવેશ થાય છે. મહિલાઓ સાથે શોષણની ૧૧૧૬, બળાત્કાર અને બળાત્કારના પ્રયાસની ૧૦૨૨ તેમજ સાઇબર ક્રાઇમની ૫૮૫ ફરિયાદ નોંધાઈ છે.

રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્ત્।ર પ્રદેશ ૧૦,૦૮૪ ફરિયાદ સાથે મોખરે છે. ત્યાર પછીના ક્રમે દિલ્હી (૨,૧૪૭ ફરિયાદ), હરિયાણા (૯૯૫) અને મહારાષ્ટ્ર (૯૭૪) નો સમાવેશ થાય છે. NCWના વડા શર્માએ જણાવ્યું હતું કે, 'અમે ૨૪ કલાકનો હેલ્પલાઇન નંબર અને ફરિયાદની નોંધણી માટે મહિલાઓને વિવિધ સહાયતા શરૂ કરી છે.'

આકાંક્ષા ફાઉન્ડેશનના સ્થાપક આકાંક્ષા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'મહિલાઓમાં મદદ માટે વધેલી જાગૃતિને કારણે ફરિયાદની સંખ્યામાં વધારો નોંધાયો છે. ફરિયાદો વધે એ સારો સંકેત છે. એનો અર્થ એ થાય છે કે, વધુને વધુ મહિલાઓમાં તેમની સામે થતા ગુના વિરુદ્ઘ બોલવાની હિંમત વધી છે.' આકાંક્ષા ફાઉન્ડેશન શિક્ષણ અને સશકિતકરણ દ્વારા લોકોને સાયબર સુરક્ષાનું જ્ઞાન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'અગાઉ મહિલાઓ ફરિયાદ નોંધાવવાની હિંમત કરતી ન હતી. જોકે, હવે મહિલાઓ ફરિયાદ નોંધાવી રહી છે, જે સારી બાબત છે.'

(10:38 am IST)