Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

પતિ જીવતો હોવા છતાં પત્નીઓ બનીને રહે છે વિધવા

પતિની લાંબી ઉંમરની કામના કરવા માટે દર વર્ષે વિધવાઓની જેમ રહે છે

લખનૌ,તા. ૮: હિન્દુ ધર્મમાં લગ્ન બાદ એક સુહાગણ સ્ત્રીના જીવનમાં સિંદૂર, ચાંદલો, મહેંદી જેવી વસ્તુઓ ખૂબ મહત્વ ધરાવે છે. આ દરેક વસ્તુઓ એક સુહાગણ સ્ત્રીના સુહાગનું પ્રતીક છે. સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે સોળે શણગાર સજે છે વ્રત કરે છે પરંતુ એક સમુદાય એવો પણ છે જયાંની મહિલાઓ પતિના જીવિત હોવા છતાં દર વર્ષે થોડા સમય માટે વિધવાઓની જેમ રહે છે. આ સમુદાયનું નામ છે 'ગછવાહા સમુદાય'. આ સમુદાયની મહિલાઓ લાંબા સમયથી આ રિવાજનું પાલન કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંની મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના કરવા માટે દર વર્ષે વિધવાઓની જેમ રહે છે.

ગછવાહા સમુદાયના લોકો મુખ્યત્વે પૂર્વી ઉત્ત્।ર પ્રદેશમાં રહે છે. ત્યાંના આદમી લગભગ પાંચ મહિના સુધી ઝાડ પરથી તાડી ઉતારવાનું કામ કરે છે. તે સમયે જે મહિલાઓના પતિ ઝાડ પરથી તાડી ઉતારે છે તે મહિલાઓ વિધવાઓની જેમ રહે છે. તે ન સિંદૂર લગાવે છે ન તો ચાંદલો, મહિલાઓ કોઈ પણ પ્રકારનો શણગાર નથી સજતી. એટલે સુધી કે તે ઉદાસ પણ રહે છે. ગછવાહા સમુદાયમાં તરકુલહા દેવીને કુળદેવીના રૂપમાં પૂજવામાં આવે છે. જે સમયે પુરુષ તાડી ઉતારવાનું કામ કરે છે. તેમની પત્નીઓ પોતાનો શણગાર દેવીના મંદિરમાં મુકે છે. હકીકતે જે ઝાડ પરથી તાડી ઉતારવામાં આવે છે તે ખૂબ જ ઉંચી હોય છે અને થોડી પણ ચુક વ્યકિતના મોતનું કારણ બની શકે છે, માટે અહીંની મહિલાઓ કુળદેવીને પોતાના પતિની લાંબી ઉંમરની કામના કરવા માટે શણગાર તેમના મંદિરમાં મુકે છે.

(10:32 am IST)