Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

એક કરતાં વધુ પાન કાર્ડ હશે તો કાર્ડ રદ્દ કરવાની સાથે ૧૦ હજારની પેનલ્ટી

નવી દિલ્હી તા. ૮ : કરચોરી કરવા માટે તથા બોગસ એકાઉન્ટ્સ માટે દેશમાં ઘણા લોકો એક કરતાં વધુ પાનકાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આવકવેરા વિભાગે દેશભરમાંથી આવા ૧૭ લાખ પાનકાર્ડ રદ કર્યા છે. હવે જેની પાસે એક કરતાં વધુ પાનકાર્ડ હોય અને તેનો ઉપયોગ જુદા જુદા ખાતા ઓપરેટ કરવા થતો હોય તો પાનકાર્ડ રદ કરવાની સાથે રૂ. ૧૦ હજાર સુધીની પેનલ્ટી ફટકારવામાં આવશે. ઉપરાંત, જે-તે કરદાતાના એસેસમેન્ટ ઓફિસરને પણ આ બાબતે જાણ કરવામાં આવશે.હવે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે, ઇનકમ ટેકસ રિટર્ન ભરવા માટે તથા કોઇ પણ મોટા આર્થિક વ્યવહારો કરવા માટે પાનકાર્ડ ફરજિયાત છે. દેશમાં ઘણા કૌભાંડીઓ પાનકાર્ડ ભાડે લઇને બોગસ કંપનીઓ ઓપરેટ કરી કરોડોની કરચોરી કરી રહ્યા છે. કેટલાક લોકોએ પોતાના જ નામના એક કરતાં વધુ પાનકાર્ડ મેળવીને દુરુપયોગ કરી રહ્યા છે. તેથી ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટે વધારાના પાનકાર્ડ રદ કરવા અભિયાન શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી એક લાખ સહિત દેશભરમાંથી આવા ૧૭ લાખ કાર્ડ રદ કરાયા છે.

(11:56 am IST)