Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

દેશના ૨૨ રાજયોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ ઉત્તરપ્રદેશમાં વધુ ૬ના મોતઃ દિલ્હીમાં પણ ભારે વરસાદ

નવી દિલ્હી, તા.૮: ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદને પગલે થયેલી દુર્ઘટનામાં વધુ છ ના મોત થતાં સપ્ટેમ્બરની પહેલી આજ સુધીનો કુલ મૃત્યુઆંક ૮૨ થયો હતો. પાટનગર દિલ્હીને પણ ભારે વરસાદે ઘમરોળ્યું હતું અને ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિટ જામ થયા હતા. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી ફલાઈટ અન્યત્ર વાળવી પડી હતી. હવામાન વિભાગે ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં અતિ ભારે વરસાદ સહિત ૨૨ રાજયમાં ભારે વરસાદ સહિત ૨૨ રાજયમાં ભારે વરસાદની આગાહી કરી હતી.

ઉત્તરપ્રદેશના મિરઝાપુર, લખનઉ, ગાંઝીપુર, કનીજ અને સુલતાનપુરમાં ભારે વરસાદથી દુઘર્ટનાઓમાં છનાં મોત થયા હતા. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે કાનપુર, ઉનાવ તથા અન્ય પૂરગ્રસ્ત વિભાગોનો એરિયલ સર્વે કર્યો હતો.

પાટનગર દિલ્હીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ટ્રાફિક જામ થયા હતા. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલીક ફલાઈટ ડાયવર્ટ કરાઈ હતી.

દિલ્હીનાં વઝીરાબાદ, ભજનપુરા, ખજૂરી ચોક, ગુરૂગ્રામ રોડ, રજોરી ચોક વિગેરે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ થયો હતો. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૭ ફલાઈટ ડાવર્ટ કરાઈ હતી. ભારે વરસાદથી પાટનગરનું તાપમાન ઘટીને લઘુત્તમ ૨૫.૬ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી હતી.

હવામાન વિભાગે ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં શનિવારે અતિ ભારે વરસાદ અને અન્ય ૧૯ રાજયમાં ભારે વરસાદની આગાહી કરી લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ઓડિશા, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તેલંગણા સહિત ૨૨ રાજયના લકોને ભારે વરસાદની ચેતવણી આપી સાવધન રહેવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ભારે વરસાદ અને પૂરથી દેશભરમાં ૧૪૦૦ લોકોના મોત થયા હતા. કેરળમાં સૌથી વધુ ૪૮૮ના મોત થયા હતા. દેશમાં કુલ ૪૩ લોકો લાપતા પણ હતા અને ૩૮૬ લોકોને ઈજા થઈ હતી.

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં લો સાયકલોનીક પ્રેસર સર્જાતા ત્રણેય રાજયોમાં ભારે વરસાદ પડયો છે. દક્ષીણી લો લેવલ પવનના દબાણના લીધે બંગાળની ખાડીમાંથી પૂર્વીય ભારતમાં ભારે વરસાદના સંજોગો ઉભા થયા છે. દેશના અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ, ત્રિપુરા અને ઉતરાખંડમાં આજે શનિવારે ભારે વરસાદની શકયતા છે.

જયારે કાલે રવિવારે આ પ્રેસર રાજસ્થાન તરફ સરકતુ હોવાથી ત્યાં પણ ભારે વરસાદ પડશે. ધીમે- ધીમે આ પ્રેસર ઓછુ થતુ જશે. બંગાળની ખાડીમાંથી ફુકાતા દક્ષીણી પવનોના લીધે પૂર્વીય ભારતમાં ભારે વરસાદના સંભાવના છે. જેમાં સિક્કીમ, આસામ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

(11:45 am IST)