Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

૯૦ વર્ષની માતા કોરોના પોઝિટિવ આવતા દીકરો જંગલમાં ફેંકી આવ્યો!

ઔરંગાબાદનો કિસ્સો :કોરોના પોઝિટિવ આવ્યા બાદ વૃદ્ઘ મહિલાને રાખવા માટે પરિવારના લોકો તૈયાર ન હતા, પોલીસે કેસ દાખલ કરીને પરિવારની શોધખોળ શરૂ કરી

મુંબઈ ,તા.૮ : ઔરંગાબાદમાં માનવજાતે શરમમાં મૂકાવું પડે તેવો બનાવો સામે આવ્યો છે. અહીં એક દીકરાએ પોતાની ૯૦ વર્ષની વૃદ્ઘ માતાને જંગલમાં ફેંકી દીધી હતી. જે બાદમાં તે ફરાર થઈ ગયો હતો. એવા સમાચાર મળ્યા છે કે વૃદ્ઘાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં પરિવારના સભ્યો તેણીને પોતાની સાથે રાખવા માટે રાજી ન હતા. જે બાદમાં પરિવારજનોએ રાત્રીના અંધારામાં વૃદ્ઘાના ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારના જંગલમાં ફેંકી દીધી હતી અને ઘરે આવી ગયા હતા. પોલીસે આ મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ઔરંગાબાદના કચ્ચીઘાટી વિસ્તારમાં લોકોને એક વૃદ્ઘા પડેલી મળી હતી. ૯૦ વર્ષની વૃદ્ઘાને એક ચાદરમાં જંગલની વચ્ચે તરછોડી દેવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને વૃદ્ઘાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. માલુમ પડ્યુ છે કે વૃદ્ઘા કોરોના પોઝિટિવ છે. વૃદ્ઘાની પૂછપરછમાં માલુમ પડ્યંુ  છે કે કોરોના હોવાની જાણ પરિવારના લોકોને થઈ ગઈ હતી. જે બાદમાં પરિવારના લોકોએ વૃદ્ઘાને જંગલમાં ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે વૃદ્ઘા આશરે એક કલાક સુધી તડપતી રહી હતી. વૃદ્ઘ મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વૃદ્ઘાની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને પરિવારના લોકોની શોધખોળ શરૂ કરી છે.

(3:22 pm IST)