Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

આજતકનો સર્વે

આજે ચૂંટણી થાય તો ભાજપને બહુમતી તો મળે પણ એનડીએની બેઠકો ઘટે

યુપીએને ૯૩ બેઠકો મળે અને એનડીએને ૩૧૬ બેઠકો મળે

નવી દિલ્હી તા. ૮ : કેન્દ્રની મોદી સરકારે બીજીવાર જીતીને સત્તા પર આવ્યાને એક વર્ષથી વધારે સમય થઇ ગયો છે. મે-૨૦૧૯માં આવેલ ચુંટણી પરિણામોમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએએ ધમાકેદાર જીત મેળવીને ફરી એક કેન્દ્રની સત્તા મેળવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં મતદારોનો મિજાજ કેટલો બદલાયો છે તે જાણવા 'આજતક' દ્વારા સર્વે કરાયો હતો.

આજતક માટે આ સર્વે કાર્વી ઇન્સાઇપ્સ લીમીટેડે કર્યો હતો અને તેના પરિણમો દર્શાવે છે કે જો આજે ચુંટણી થાય તો પણ ભાજપા પોતાના જોરે બહુમતિનો જાદુઇ આંકડો પાર કરી લે, પણ ૨૦૧૯ના પરિણામોની સરખામણીમાં ભાજપા જ નહીં પણ એનડીએની બેઠકો પણ ઘટી જાય.

સર્વે અનુસાર, જો આજે ચુંટણી થાય તો સોનિયા ગાંધીના નેતૃત્વવાળા યુપીએને ૨૭ ટકા મત સાથે ૯૩ બેઠકો મળે. કોંગ્રેસને પોતાના દમ પર ૧૯ ટકા મત અને ૪૯ બેઠકો મળે. આ પ્રકારે કોંગ્રેસને ૨૦૧૯ની લોકસભા ચુંટણીની સરખામણીમાં ૩ બેઠકોનું નુકસાન ભોગવવું પડે. જો કે યુપીએની બે બેઠકોમાં વધારો થાય. કોંગ્રેસને ૨૦૧૯માં ૫૨ બેઠકો મળી હતી જ્યારે યુપીએને ૯૧ બેઠકો મળી હતી.

દેશના યુપીએ અને એનડીએમાં ન હોય તેવા બધા અન્ય પક્ષોના ખાતામાં ૩૧ ટકા મત સાથે ૧૩૪ બેઠકો આવી શકે એવું પણ આ સર્વેમાં કહેવાયું છે. સર્વે અનુસાર એનડીએને ૩૧૬ બેઠકો મળે અને વોટની ટકાવારી ૪૨ ટકા રહે.

(11:49 am IST)