Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મધ્ય પ્રદેશ- કેરળ- ઓડીશા- છત્તીસગઢ- ઉત્તર પ્રદેશ- રાજસ્થાન- મહારાષ્ટ્ર- કર્ણાટકના વિસ્તારો પૂરની લપેટમાં: અનેક જગ્યાએ સ્થિતી ગંભીર

દેશની મોટાભાગની નદીઓ બે કાંઠેઃ કર્ણાટકમાં વરસાદથી ૭ના મોતઃ રાહત- બચાવ કાર્ય માટે એનડીઆરએફ- એસડીઆરએફની ટુકડીઓ તૈનાત

નવીદિલ્હીઃ કર્ણાટકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે ૧૫ જીલ્લાઓમાં પૂરની સ્થિતી છે. રાજયના અને ભાગોમાં બુધવારે પણ ભયંકર પૂરની સ્થિતી હતી, જેના કારણે લગભગ ૨૬ હજાર લોકોને ઘરમાંથી કાઢવામાં આવેલ. જયારે ૭ લોકોના વરસાદ સંબંધી ઘટનાઓમાં મોત થયેલ.

સતત વરસાદના કારણે રસ્તા અને રેલ સંપર્ક પણ પ્રભાવીત થયેલ. બે લાગાવી અને ઉત્તર કન્નડ જીલ્લાઓમાં બે- બે અને શિવમોગામાં એક વ્યકિતનું મોત થયેલ. એસડીઆરએફ, એનડીઆરએ, ફાયર બ્રિગેડની ટુકડીઓને રાહત- બચાવ કાર્યમાં મુકવામાં આવી છે.

કર્ણાટક અને આસપાસના રાજયોના ડેમમોમાંથી છોડાયેલ પાણીના કારણે સ્થિતી વધુ ગંભીર બની છે. ગઈકાલે ૨૫૭૯૪ લોકોને બચાવ કાર્ય દરમિયાન પૂરની સ્થિતીમાંથી કાઢવામાં આવેલ. શાળા- કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. જયાારે નેવીએ ૫૦૦ લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સેનાના ૧ હજાર અધિકારીઓને તૈનાત કરાયા છે.

બેલાગવીમાં ભારે વરસાદથી દક્ષીણ- પશ્ચિમના હુબલી ડિવીઝન દ્વારા કરીયાણ, પીવાનું પાણી, બિસ્કીટ, દવા વગેરે મોકલવામાં આવી છે. ઉપરાંત ગોકક, રાયબાગ અને ચિકકોડી રોડ રેલ્વે સ્ટેશનોએ હોલમાં જ રાહત કેન્દ્રો બનાવાયા છે. જયાં લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે.

દેશના અનેક ભાગોમાં વરસાદનો કહેર છે. મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં વરસાદ બાદ સ્થિતી ગંભીર છે. ૨૦૦ ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. ૪૦૦ લોકોને રેસ્કયુ કરાયા છે.

મધ્યપ્રદેશના ૨૮ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. રાજસ્થાનમાં પણ ભારે વરસાદ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. કેટલાય ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. કેરળ અને ઓડીશામાં પણ નદીઓમાં ભારે વરસાદના કારણે  પૂર આવ્યા છે. છત્તીસગઢના બસ્તરમાં પણ સ્થિતી ખરાબ છે. જીલ્લા મુખ્યાલય સાથે અનેક વિસ્તારો કટ ઓફ થયા છે. અનેક ગામોમાં ભારે વરસાદ બાદ પૂરની હાલત છે.

ઓડીશાની રાજધાની ભુવનેશ્વર સહિત આખા રાજયમાં સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. માલકાનગિરી જીલ્લામાં પૂરથી લોકો ત્રસ્ત છે. જીલ્લામાંથી પસાર થતી નદીઓમાં જળસ્તર વધવાથી નિચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યા છે. ઉપરાંત કંધમાલ અને ગંજમ જીલ્લામાં પણ ભારે વરસાદ અને પૂરના કારણે અને લોકો ચપેટમાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે તાપમાન નીચુ ગયુ છે. વરસાદની આજે શકયતા રહેલી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પશ્ચિમી યુપીમાં કેટલાક જીલ્લાઓમાં જોરદાર વરસાદ પડશે, જયારે પૂર્વી ઉત્તર પ્રદેશના એક-બે જીલ્લાઓમાં હળવો વરસાદ વરસશે.(૩૦.૪)

(1:36 pm IST)