Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

જમ્મુ-કાશ્મીરઃ સ્થિતિ નિયંત્રણ હેઠળઃ બજારો ખુલીઃ લોકો ઉમટ્યા

ફરી પાટા પર આવી રહી છે લોકોની જીંદગીઃ રાજ્યમાં ઠેકઠેકાણે લોખંડી સુરક્ષા વ્યવસ્થા

જમ્મુ, તા. ૮ :. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા ખાસ અધિકારો સમાપ્ત કરવા અને રાજ્યના પુનર્ગઠન બાદ એવી આશંકા હતી કે રાજ્યમાં સ્થિતિ વધુ બગડશે,

અલગાવવાદીઓ લોકોને ભડકાવશે, હિંસા થશે પરંતુ આવુ કશું થયુ નથી. પ્રદેશમાં સંપૂર્ણ રીતે શાંતિ જોવા મળી રહી છે. આજે સવારે અહીં દુકાનો પણ ખુલી છે. લોકો પણ ફળ, શાકભાજી, અનાજ વગેરે ખરીદવા બજારમાં ઉમટી પડયા છે.

જમ્મુથી સમાચાર મળ્યા છે કે લોકો પોતાના ઘરોની બહાર નિકળ્યા છે. જો કે ઠેકઠેકાણે સૈનિકો તૈનાત છે. જો કે કેટલીક જગ્યાએ હજુ સન્નાટો જોવા મળી રહ્યો છે. લોકો જરૂરી કામ હોય તો પોતાના ઘરોની બહાર નિકળે છે.

દરમિયાન સરકાર તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ જમ્મુ કાશ્મીરમાં મોરચો સંભાળી રહ્યા છે. ગઈકાલે તેઓ કાશ્મીરની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. સોપીયામાં તેઓએ લોકો સાથે બિરીયાની પણ ખાધી હતી. તેમણે લોકોને સમજાવ્યુ હતુ કે સરકારનો નિર્ણય તમારા ભલા માટે છે. કેન્દ્ર સરકાર પણ રાજ્યની સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે.(૨-૩)

(11:51 am IST)